Mumbai,તા.૨૭
ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર શો ‘CID’ અને હોરર સિરિયલ ‘આહટ’ના નિર્માતા-દિગ્દર્શક બ્રિજેન્દ્ર પાલ સિંહ એટલે કે બી.પી. સિંહનું અવસાન થયું છે. મંગળવારે તેમના નિધનના સમાચાર સામે આવ્યા હતા. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું. તેમના નિધનથી ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
વરિષ્ઠ અભિનેતા અમિત બહલે બી.પી. સિંહના નિધનની પુષ્ટિ કરતાં તેમની સાથેના લાંબા સંબંધને યાદ કર્યો હતો. અમિત બહલના જણાવ્યા અનુસાર, તેમણે આશરે ૧૯૯૫થી બી.પી. સિંહ સાથે કામ શરૂ કર્યું હતું. ‘આહટ’ અને ‘ઝ્રૈંડ્ઢ’ જેવા શો સાથે જોડાયેલા રહેતાં બંને વચ્ચે લગભગ ત્રણ દાયકાનો સંબંધ રહ્યો હતો.
અમિત બહલે તેમને ટેકનિકલ બાબતોમાં નિષ્ણાત અને કામ પ્રત્યે ગંભીર વ્યક્તિ ગણાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, બી.પી. સિંહનો સ્વભાવ બહારથી કડક લાગતો હતો, પરંતુ તેઓ અંદરથી ખૂબ જ મદદરૂપ અને લાગણીશીલ હતા. અમિત બહલે તેમને પરિવારના સભ્ય અને પિતાતુલ્ય વ્યક્તિ તરીકે યાદ કર્યા હતા.
બી.પી. સિંહે જીવનમાં અનેક વ્યક્તિગત દુઃખનો સામનો કર્યો હતો. અમિત બહલના જણાવ્યા અનુસાર, પુત્ર સલિલ સિંહનું અચાનક અવસાન તેમના માટે મોટો આઘાત હતો. આ દુઃખમાંથી તેઓ સંપૂર્ણપણે બહાર આવી શક્યા નહોતા. ત્યારબાદ તેમના નજીકના વ્યવસાયિક સાથી અને ફાયરવર્ક્સ પ્રોડક્શન્સના સહ-સ્થાપક પ્રદીપ ઉપ્પોરના નિધનથી પણ તેમને મોટો આઘાત લાગ્યો હતો.
તેઓ કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હતા. બી.પી. સિંહનું ભારતીય ટેલિવિઝનમાં યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના પ્રોડક્શન હાઉસ ફાયરવર્ક્સ પ્રોડક્શન્સ હેઠળ બનેલી ‘ઝ્રૈંડ્ઢ’ સિરિયલ લાંબા સમય સુધી દર્શકોની લોકપ્રિય પસંદગી બની રહી હતી. તપાસ, રહસ્ય અને ગુનાની ઘટનાઓને કેન્દ્રમાં રાખતી આ સિરિયલે ક્રાઇમ-થ્રિલર શૈલીને ઘરઘરમાં ઓળખ અપાવી હતી.
બીજી તરફ, ‘આહટ’એ હોરર સિરિયલોના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. ખાસ કરીને ૧૯૯૦ના દાયકામાં આ શોએ રહસ્ય અને ભયના માધ્યમથી દર્શકોને આકર્ષ્યા હતા. બી.પી. સિંહના નિધનથી ભારતીય ટેલિવિઝને એક અનુભવી સર્જક ગુમાવ્યો છે. તેમના લોકપ્રિય શો અને યાદગાર સર્જનાત્મક યોગદાનને કારણે તેઓ દર્શકો તથા કલાકારોની યાદોમાં હંમેશાં જીવંત રહેશે.

