Gondal તા.5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-12 સાયન્સના પરિણામમાં ગોંડલના બી.એ.પી.એસ સ્વામિનારાયણ ગુરુકુળએ આ વર્ષે પણ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી ગોંડલ શહેર તેમજ સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થાએ ઉત્તમ પરિણામોની શ્રેણી જાળવી રાખી છે. સમગ્ર બોર્ડમાં ગુરુકુળના 5 વિદ્યાર્થીઓએ ટોપ-10માં સ્થાન મેળવી સંસ્થાની શ્રેષ્ઠ પરંપરા યથાવત રાખી છે. સમગ્ર ગુજરાત બોર્ડમાં ઓમ પટેલે 99.99 PR સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતાના પુત્ર મિલન ખાણધર 99.98 PR સાથે દ્વિતીય સ્થાન મેળવી પ્રેરણાદાયક સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ઋત્વિક લીંબાસીયાએ 99.97 પી.આર સાથે ત્રીજા ક્રમે સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.આ ઉપરાંત, સમગ્ર ગુરુકુળ, કુમાર તથા ક્ધયા શાળામાંથી કુલ 23 વિદ્યાર્થીઓએ 99 પી.આર થી વધુ ગુણ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે.
કોમર્સ પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સરસ પ્રદર્શન કરતાં 28 વિદ્યાર્થીઓએ 99 પી.આર.થી વધુ ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ સંસ્થાના શિક્ષકોનું માર્ગદર્શન, સંચાલનનો સહકાર અને વિદ્યાર્થીઓની મહેનત મુખ્ય કારણરૂપ છે.આ પ્રસંગે બી.એ.પી.એસ સંસ્થાના નિર્ભય સ્વામી તથા આચાર્ય, તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

