Mumbai,તા.26
બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત અને અભિનેત્રી તાપસી પન્નુ વચ્ચેનો ખટરાગ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. વધી રહેલા વિવાદ વચ્ચે તાપસી પન્નુએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે મીડિયા અને લોકો, એ બંનેને એકબીજા સાથે જોડાયેલા સવાલો પૂછવાનું બંધ કરશે, ત્યારે આ વિવાદ આપોઆપ પૂરો થઈ જશે.તાપસી પન્નુ મંગળવારે પોતાની નેટફ્લિક્સ ફિલ્મ ‘ગાંધારી’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજર રહી હતી. જ્યાં તેને કંગના રણૌત વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. કંગનાએ તાપસીને ‘સસ્તી કોપી’ કહેવાથી લઈને અનેક આકરા પ્રહારો કર્યા હોવાથી તાપસીનો પક્ષ જાણવો જરૂરી હતો. જોકે, તાપસીએ ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
તાપસીએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, ‘આ મુદ્દો ક્યારનોય પૂરો થઈ ગયો હોત, જો તમે લોકો વારંવાર આ બાબતો અંગે સવાલો પૂછવાનું બંધ કરી દીધું હોત. તમે આ વાત પૂરી કેમ નથી થવા દેતા? જ્યારે કોઈ આ સવાલ અમને બંનેને પૂછવાનું બંધ કરશે, ત્યારે આ બબાલ પણ પૂરી થઈ જશે. તમને બધાને આ બધું જોવામાં મજા આવી રહી છે, એટલે જ આવા સવાલો પૂછી રહ્યા છો. જો તમે આવા સવાલો પૂછવાનું બંધ કરી દો તો આ બાબત ઘણા સમય પહેલા જ પૂરી થઈ ગઈ હોત.’
આ વિવાદ વર્ષ 2019માં ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ના ટ્રેલર વખતે શરૂ થયો હતો, જે આજે પણ ચાલી રહ્યો છે. તાપસીએ ટ્રેલરના વખાણ કર્યા હતા, પરંતુ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કંગનાનું નામ લેવાનું ભૂલી ગઈ હતી. ત્યારપછી કંગનાની બહેન રંગોલીએ તાપસીને કંગનાની ‘સસ્તી કોપી’ કહી હતી. વર્ષ 2020માં કંગનાએ તાપસી માટે ‘B-ગ્રેડ એક્ટ્રેસ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

