London તા.2
બ્રિટેનના સંસદીય ઈતિહાસમાં 2026 એક સ્વર્ણિમ વર્ષના રૂપમાં દર્જ થશે. જયારે જૈન સમુદાયની પ્રતિષ્ઠિત નેતા શામા શાહ બ્રિટીશ સંસદના ઉપલા ગૃહ, હાઉસ ઓફ લોર્ડસમાં પહોંચનારા પ્રથમ જૈન પ્રતિનિધિ બન્યા છે. તેમણે જૈન પવિત્ર ગ્રંથ ‘સમણસુત્તં’ પર શપથ લઈને ઈતિહાસ રચ્યો.
આ ક્ષણ માત્ર શામા શાહના અંગત જીવનની સિદ્ધિ નથી પરંતુ સમગ્ર જૈન સમુદાય અને ભારતીય મૂળના લોકો માટે ખૂબ જ ગર્વ અને પ્રેરણાનો વિષય છે.
કોણ છે શામા શાહ?
શામા શાહ લાંબા સમયથી બ્રિટીશ રાજકારણ અને સામાજીક ક્ષેત્રમાં સક્રીય છે. તેમણે શિક્ષણ, સમુદાય વિકાસ, સમાનતા, આરોગ્ય અને સામાજીક ન્યાય જેવા મુદ્દાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની સેવા અને નેતૃત્વની કદર રૂપે તેમને 2025-26માં લાઈફ પીઅરેજથી નવાજવામાં આવ્યા હતા. તેઓ હાઉસ ઓફ લોર્ડસના સતાવાર સભ્ય બન્યા હતા.
હાઉસ ઓફ લોર્ડસ શું છે?
બ્રિટીશ સંસદનું હાઉસ ઓફ લોર્ડસ તે ઉપલા ગૃહ છે તે વિશ્ર્વની સૌથી જુની લોકશાહી સંસ્થાઓમાંની એક છે. જયાં મહત્વપૂર્ણ કાયદાઓ, નીતિઓ તથા સામાજીક મુદાઓની ચર્ચા, સમીક્ષા અને સુધારા કરવામાં આવે છે.
શામા શાહે શું કહ્યું?
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં શામા શાહે કહ્યું, ‘હાઉસ ઓફ લોર્ડસ’ જેવી ઐતિહાસિક લોકશાહી સંસ્થામાં ‘જૈન ગ્રંથ’ ‘સમણસુત્તં’ હાથમાં લઈને અને મારા વિશ્ર્વાસના શબ્દો જાહેર સેવાના શપથ લેવાનો અનુભવ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અને સન્માનજનક હતો.
જૈન દર્શનના સિદ્ધાંતો, અહિંસા, સત્ય, સંયમ, કરૂણા આજે વૈશ્વિક નેતૃત્વ અને લોકશાહી મુલ્યો સાથે ઉંડાણપુર્વક જોડાયેલા છે. શામા શાહની સિદ્ધિ ભવિષ્યની પેઢીઓને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપશે.
જૈન ધર્મનો અનુપમ ગ્રંથ: સમણસુત્તં
સમણસુત્તં જૈન ધર્મનો અત્યંત પ્રાચીન અને મહત્વપૂર્ણ આગમ ગ્રંથ છે. તેમાં ભગવાન મહાવીર અને અન્ય તીર્થંકરોના ઉપદેશોનો સાર છે. તેમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, સંયમ, કરૂણાનું વર્ણન કરાયુ છે.

