નુકસાનનો ખર્ચ માગી મામાને બોલાવી મારપીટ, ૧૧૨ની પોલીસ સમક્ષ પણ હોબાળો; બે શખ્સો સામે ગુનો નોંધાયો
(નયના દવે દ્વારા) Jamnagar તા.૭
જામનગરના કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં વાહનની સામાન્ય અથડામણ બાદ થયેલા ઝઘડામાં વેપારી પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસમાં બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી બુરહાન મોઈસભાઈ મેટ્રનવાલા (ઉ.વ. ૩૧), રહે. બુરહાની પાર્ક, કાલાવડ નાકા બહાર, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સુઝુકી લેટ્સ મોટરસાયકલ પર ગોલ્ડન સોસાયટીથી ઘરે પરત ફરી રહ્યા હતા. પોતાના ઘર પાસે પહોંચીને મોટરસાયકલ સાઇડમાં લેતા પાછળથી આવેલા શોબાન ફારૂખભાઈ મકવાએ તેના એક્સેસ મોટરસાયકલથી તેમના વાહનને પાછળથી અથડાવ્યું હતું.
ત્યારબાદ શોબાને મોટરસાયકલને નુકસાન થયાનું કહી ખર્ચની માંગણી કરી ગાળો આપી પોતાના મામા મુસ્તુફા મોહમદ વજુગરાને સ્થળ પર બોલાવ્યો હતો. ફરિયાદ મુજબ મુસ્તુફા વજુગરા સ્થળ પર આવી વીમામાં ક્લેમ કરવાની વાત સ્વીકારવાને બદલે તરત ખર્ચ ચૂકવવાની માંગણી કરી ગાળો આપી ઝાપટો માર્યો હતો તેમજ માથા, મોઢા અને શરીરના અન્ય ભાગે મુક્કા અને ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન પાડોશીઓ મોહીશભાઈ મકાતી અને મેમુનાબેન વચ્ચે પડી ફરિયાદીને છોડાવ્યા હતા.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં ફરિયાદીએ ૧૧૨ ઇમરજન્સી સેવામાં ફોન કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસકર્મી નીલેશભાઈ ગોવિંદભાઈ અધારાએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન મુસ્તુફા વજુગરાએ પોલીસકર્મી સાથે પણ ગાળો આપી ઝપાઝપી કરી અને ધમકીભર્યું વર્તન કર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ત્યારબાદ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

