Ahmedabad, તા.6
ગુજરાતમાં ચોમાસાની આ ઋતુ દરમિયાન 15 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસો નોંધાયાં છે, જેમાં 35 લેબ-પુષ્ટિ થયેલા કેસો અને 22 બાળકોનાં મોત સામેલ છે.
ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનનાં બાળકોમાં પણ આ વાયરસના લક્ષણો અને ચેપ જોવા મળ્યાં છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે એક વિશેષ `નેશનલ જોઇન્ટ આઉટબે્રક રિસ્પોન્સ ટીમ’ તૈનાત કરી છે, જેથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા અને તબીબી તપાસને ઝડપી બનાવવામાં મદદ મળી શકે.
ચાંદીપુરા વાયરસ એ મુખ્યત્વે એક ખાસ માખી સેન્ડફ્લાય દ્વારા ફેલાતો વાયરસ છે, જે ખાસ કરીને નાનાં બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લે છે. આ વાયરસના ચેપથી સામાન્ય તાવથી શરૂઆત થઈને ખૂબ જ ઝડપથી મગજનો ગંભીર ચેપ એટલે કે એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમ – AES) થઈ શકે છે.
ભારત માટે આ વાયરસ નવો નથી ; સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રનાં ‘ચાંદીપુરા’ ગામમાં તેની ઓળખ થઈ હતી. ત્યારથી ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં બાળકોમાં આ વાયરસનો રોગચાળો સમયાંતરે જોવા મળે છે.
આ રોગચાળા પર કાબૂ મેળવવા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પશુપાલન વિભાગનાં નિષ્ણાતોની ટીમ રાજ્યનાં આરોગ્ય વિભાગને સહયોગ આપી રહી છે.
વૈજ્ઞાનિકો માત્ર સેન્ડફ્લાય જ નહીં પરંતુ મચ્છર, ઈતરડી (ટિક્સ) અને માઈટ્સ દ્વારા પણ આ વાયરસ ફેલાય છે કે કેમ તેની તપાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત, ગાય, ભેંસ અને બકરી જેવા પાલતું પ્રાણીઓ આ વાયરસના વાહક કે સ્ત્રોત તરીકે વર્તે છે કે નહીં તે ચકાસવા માટે તેમનાં લોહી અને દૂધનાં નમૂના પણ લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં આવા લગભગ 70 નમૂનાઓની તપાસ ચાલી રહી છે.
વાયરસના ફેલાવા અને સ્વરૂપને સંપૂર્ણપણે સમજવા માટે વૈજ્ઞાનિકો વાયરસના નમૂનાઓનું `હોલ-જીનોમ સિક્વેન્સિંગ’ પણ કરી રહ્યાં છે, જેથી જાણી શકાય કે વાયરસના જનીનિક બંધારણમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નહીં.
આ વ્યાપક તપાસ અને સંશોધનથી વાયરસના ચેપ, તેના લક્ષણો અને ફેલાવાની રીત વિશે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પુરાવા મળશે. આ તારણોના આધારે ભવિષ્યમાં રોગચાળાની વહેલી ઓળખ કરવા, બીમારીને યોગ્ય રીતે સમજવા અને જાહેર આરોગ્ય સુરક્ષાનાં પગલાંને વધુ મજબૂત બનાવવામાં મોટી મદદ મળશે.

