૧૮.૭૭ ગ્રામ મેફેડ્રોન મોબાઈલ, કાર અને રોકડ મળી ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદથી જથ્થો લાવી છૂટકમાં પડીકી બનાવી વેચાણ કરવાનો હતો પ્લાન
Rajkot તા.૧૩ઃ
શહેરના બેડીપરા ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મૂળ વેરાવળના વતની અને હાલ રાજકોટમાં રહેતા બે શખસોને એસઓજીએ ઝડપી રૂપિયા ૫૩,૩૧૦ ની કિંમતનું એમ.ડી. ડ્રગ્સ, મોબાઈલ અને કાર મળી રૂ. ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખસોની પૂછતાછમા અમદાવાદથી તેઓ માદક પદાર્થનો જથ્થો લાવ્યાની કબુલાત આપી હતી અને અહીં છૂટકમાં વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, નવરાત્રીના પર્વમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિકએ આપેલી સુચનાને પગલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.કે. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ના વતની અને હાલ જીવરાજ પાર્ક રહેતો ગૌરાંગ અશોક પરડવા અને નાના માવા મેઇન રોડ પર ગોલ્ડન પાર્ક હાસ્યના બિલ્ડીંગ માં રહેતો મૌલિક અશોક જેઠવા સહિત બંને શખ્સો એનડીપીએસના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો કારમાં બેડી ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે બાપાસીતારામ ટી સ્ટોલ પાસે આવવાના છે અને તેમના કબજામાં માદક પદાર્થનો જથ્થો છે જેથી આ હકીકતના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન અહીં બાપા સીતારામ ટી સ્ટોલ પાસે કાર નંબર જીજે ૫ જેક્યુ ૪૪૦૦ આવતા પોલીસે કાર કોર્ડન કરી કારમાં સવાર બની શખસોને નીચે ઉતારી તપાસ કરતા રૂપિયા ૫૩,૩૧૦ ની કિંમતનું ૧૮.૭૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે બંને શખસો પાસેથી માદક પદાર્થનો જથ્થો મોબાઇલ ફોન, કાર અને રોકડ રૂપિયા સહિત રૂ. ૬,૬૬,૯૪૦ નો મુદ્દામાલ કબજે કરી બંને શખસો વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ બંને શખસો મિત્રો હોય ગૌરાંગ ઇન્સ્યોરન્સનું કામ કરે છે જ્યારે મૌલિક સામે ચાલુ વર્ષે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. બંને મિત્રો અમદાવાદથી માદક પદાર્થનો જથ્થો લાવ્યા હતા અને અહીં પડીકી બનાવી છૂટકમાં વેચાણ કરવાના હતા પરંતુ તે પૂર્વે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં એસોજીના પીઆઈ એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.ગોહિલ તથા એએસઆઈ અરૂણભાઇ બાંભણિયા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ સાથે રહ્યા હતા. માદક પદાર્થના પ્રાથમિક પરીક્ષણ માટે એફએસએલ અધિકારી કે.એમ. તાવીયાની મદદ લેવામાં આવી હતી.

