New Delhi,તા.25
ભારતમાં છેલ્લા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો ઝીકવામાં આવ્યો છે અને તેને પગલે મોંઘવારીનો આકરો ઝાટકો લાગવાના ભણકારા છે. રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે કે આજે ભારતમાં પેટ્રોલમાં 2.61 રૂપિયા તથા ડિઝલમાં 2.79 પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.
તો સામે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં કડાકો સર્જાયો છે. ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતા બેવડી રાહત થઈ છે. જો કે ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સરકાર-તેલ કંપનીઓએ દોઢ મહિના સુધી કોઈ ભાવવધારો કર્યો ન હતો અને તેમાં જંગી નુકશાની થઈ હતી. આ જંગી નુકશાની સરભર કરવા માટે ભાવવધારાતા હોવાનું મનાય છે. ચાર વખત ભાવવધારો થવા છતાં હજુ તેલ કંપનીઓ ખોટ જ કરી રહી છે.
વિશ્વબજારમાં આજે ક્રુડતેલના ભાવમાં કડાકો સર્જાયો હતો. ડબલ્યુટીઆઈ ક્રુડ 6.17 ડોલર (6.38 ટકા) ગગડીને 90.43 ડોલરના સ્તરે આવી ગયુ હતું બ્રેન્ટ ક્રુડ પણ 100 ડોલરની નીચે ઉતરી ગયુ હતું અને 5.95 ડોલરના ઘટાડાથી 97.38 ડોલર સાંપડયુ હતું.
આ જ રીતે કરન્સી મોરચે પણ આજે ઘણી રાહત થઈ હોય તેમ ડોલર સામે રૂપિયો ઉંચકાયો હતો. ડોલર સામે રૂપિયો 91 પૈસાના ઉછાળાથી 95.28 થયો હતો. રૂપિયો વધતા સરકારને આયાતબીલમાં ઘણી રાહત મળી શકે છે.

