તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું
Jamnagar,તા.૨૭
જામનગર જિલ્લાના લાલપુર નજીક ગોવાણા-લાલપુર માર્ગ પર રોઝડું આડું આવતાં સર્જાયેલા અકસ્માતમાં એક ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમની પત્ની અને પુત્રીને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ લાલપુરના નાંદુરી રોડ સ્થિત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને મૂળ ગોવાણા ગામના ચંદુભાઈ મારખીભાઈ કારેણા (ઉંમર ૩૬ વર્ષ) પોતાની પત્ની હંસાબેન અને પુત્રી મયુરીબેન સાથે મોટરસાયકલ નંબર જીજે-૧૦-ડીએચ-૫૩૧૨ પર ગોવાણા ગામથી લાલપુર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન ગોવાણા ચેકપોસ્ટ નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટિયા પાસે અચાનક માર્ગ પર રોઝડું આવી જતાં મોટરસાયકલ તેની સાથે અથડાઈ હતી. અકસ્માતના કારણે ત્રણેય માર્ગ પર પટકાયા હતા.
અકસ્માતમાં હંસાબેન અને મયુરીબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે ચંદુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે લાલપુર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

