Morbi, તા.18
હળવદના ચરાડવા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી સગીરા મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી હતી જેથી તે સગીરાને તેના ભાઈએ મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર કારગત ન નિવડતા તે સગીરાનું મોત નીપજયું છે.
મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના અને હાલમાં હળવદ તાલુકાના ચરડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની દીકરી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણ (17)એ તા. 5/4 ના રોજ વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી.
જેથી તે સગીરાને ઝેરી અસર થઈ હોવાના કારણે પ્રથમ સારવાર માટે ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તે સગીરાનુ મોત નીપજયું છે.
આ બનાવની મૃતક સગીરાના પિતા પ્રતાપસિંહ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હતી.
તે બાબતે સગીરાને તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી લેતા સારવાર દરમિયાન તે સગીરાનું મોત નિપજ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
