જીજ્ઞેશ પટેલ
Manavadar તા.૪
માણાવદર ખાતે આવેલી બાલકૃષ્ણ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિધિવત શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આયોજકો અને શાળા પરિવાર દ્વારા પધારેલા તમામ અતિથિ વિશેષોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા માણાવદરના મામલતદાર મહેશભાઈ શુક્લએ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત જીવન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને યુવાનો વ્યસનથી દૂર રહી પોતાના પરિવાર તથા દેશના ઉત્થાન માટે યોગદાન આપે તે ખૂબ જરૂરી છે. આજના આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી માટે આશીર્વાદ સમાન છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થાય તે અત્યંત આવશ્યક છે.
ખાસ કરીને આજના યુગમાં બાળકોમાં વધતા જતા મોબાઇલના ઉપયોગ અંગે મામલતદાર મહેશભાઈ શુક્લએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાળકોને સલાહ આપી હતી કે મોબાઇલનો ઉપયોગ વ્યસન કે સમય વેડફવાના સાધન તરીકે ન કરવો જોઈએ. મોબાઇલમાં નકામો સમય બગાડવાને બદલે માત્ર જરૂરી જ્ઞાન અને શિક્ષણ મેળવવા પૂરતો જ તેનો સદુપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી તેમણે ખાસ ટકોર કરી હતી.

