ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક સાયન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી
Ahmedabad,તા.૫
દાદરા અને નગર હવેલીના સેલવાસ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બંધ મકાનના બાથરૂમમાં પડેલી સૂટકેસમાંથી એક યુવતીનો સડેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક સાયન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
આ ભયાનક રહસ્ય પાછળ મકાનમાલિકનો બે મહિનાથી ફરાર રહેલો ભાડુઆત કેન્દ્રસ્થાને છે. છેલ્લા બે મહિનાથી મકાન ભાડે રાખનાર શખ્સ અચાનક ગાયબ થઈ ગયો હતો અને મકાન બંધ હાલતમાં હતું. સમય જતાં મકાનમાંથી દુર્ગંધ આવવા લાગતા આશંકા ગઈ હતી, જેના આધારે તપાસ કરતાં આ ખૌફનાક અપરાધનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક ચર્ચા અનુસાર મૃતક યુવતી બિહારની રહેવાસી જ્યોતિકુમારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવતીની હત્યા ક્યારે અને કેવી રીતે કરવામાં આવી તથા ફરાર ભાડુઆત કયા સ્થળે છુપાયો છે તે જાણવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ (ઝ્રડ્ઢઇ) ની મદદ લેવાનું શરૂ કર્યું છે. પોલીસ વહેલી તકે આ ગુનાના સાચા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે કટિબદ્ધ છે.

