અમદાવાદ કોર્પો.ના પગલે રાજકોટમાં પણ નિર્ણય, તુરંતમાં સૂચના અપાશેઃ મેયર નેહલ શુકલ, બે બોર્ડ પહેલા કોર્પોરેટર જાનકીબેન કાટોળીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો
Rajkot તા. ૨૯
તાજેતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નવા બનતા ડામર રોડના કામ માટેની જવાબદારી લોકો સમક્ષ પણ પારદર્શક રીતે જાહેર રહે તે માટે રોડની બંને તરફ કોન્ટ્રાકટર કંપનીના નામ, સરનામા, ફોન નંબર, કામની મુદત સહિતની વિગત સાથેના બોર્ડ મુકવા નિર્ણય જાહેર કર્યો હતો જેના પગલે રાજકોટ મહાપાલિકા પણ આ દિશામાં આગળ વધી રહી છે.
આગામી દિવસોમાં મનપાના ડામર રોડ હોય કે બ્રીજ જેવા કોઇ પણ બાંધકામ પ્રોજેકટ, સાઇટ પર કોન્ટ્રાકટરની તમામ વિગતો મુકવા નિયમો લાગુ કરવામાં આવશે તેમ મેયર ડો.નેહલ શુકલે આજે જણાવ્યું હતું.
મહાનગરમાં અવારનવાર રસ્તા તુટવા, અનેક પ્રોજેકટ વિલંબમાં પડવાથી લોકો હેરાન થાય છે. પરંતુ કોન્ટ્રાકટરોનું શું થાય છે અને શું પગલા લેવામાં આવે છે તે લોકોને જાણવા મળતું નથી. પ્રજાના પૈસે થતા કામોમાં વિલંબ કે ક્ષતિ બદલ આ કામ કરનાર એજન્સી કોણ છે, કેટલો ખર્ચ, કેટલી મુદત સહિતની બાબતો પારદર્શક રહેવી જરૂરી છે. આથી હવે રાજકોટમાં પણ સાઇટ પર આવા બોર્ડ મુકવા તુરંતમાં સૂચનાઓ જાહેર કરવામાં આવશે. તે બાદ કોન્ટ્રાકટરના નામ સાથેની તકતી સ્થળ પર લોકો સ્પષ્ટ વાંચી શકે તે રીતે મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બે જનરલ બોર્ડ પહેલા વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટર શ્રીમતી જાનકીબેન જીતુભાઇ કાટોળીયાએ બોર્ડમાં ડામર રોડની સાઇટ પર કોન્ટ્રાકટરના નામ-સરનામા અને ફોન નંબર સાથેના બોર્ડ મુકવા મહત્વનો મુકયો હતો. તંત્રએ વિચારણા કરશુ એવો જવાબ આપ્યો હતો. પરંતુ હવે સરકારની ગુણવતા માટેની કડકાઇ અને અમદાવાદ કોર્પો.એ શરૂ કરેલી પહેલ પરથી રાજકોટ મનપાએ પણ પારદર્શક કામનું મન વધુ મજબુત કર્યુ છે.
રાજકોટમાં અવારનવાર રોડ બન્યા બાદ ખાડા પડવા, રીપેરીંગ સહિત કરોડોના ખર્ચ થાય છે. હવે આ રોડ બનાવનાર એજન્સીના પુરા નામ, રોડનું નામ, ઝોન, વોર્ડની વિગતો, ફોન નંબર, કામની મુદત, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ સહિતની વિગતો દર્શાવવાની રહેશે. તો નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ-ફ્રી નંબર પણ તકતી પર દર્શાવવામાં આવશે. મેયર ડો. નેહલ શુકલે આ નિયમની અમલવારી શરૂ કરવા તંત્રને સૂચના આપી છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ જાહેર નાણાંમાંથી થતા કામમાં પારદર્શિતા લાવવાનો અને કામ કરનાર એજન્સીની જવાબદારી નક્કી કરવાનો છે.નવા રોડ સહિતના કામમાં ગાબડા પડે ત્યારે લોકો પણ જાતે હવે સીધા કોન્ટ્રાકટર સામે ફરિયાદ કરી શકશે. રોડના બંને છેડે લગાવેલી તકતીમાં તમામ વિગતો સ્પષ્ટ લખેલી હશે. કામ પુરૂ થયાની મુદ્દત લોકોમાં ખુલ્લી રહેશે. તો મનપામાં સંપૂર્ણ ડિજીટલ રેકોર્ડ રહેશે. ગુણવતા માટે કોન્ટ્રાકટર વધુ એલર્ટ થશે. જોકે આ માટે ટેન્ડરમાં જ શરતો ઉમેરવામાં આવશે તેમ માનવામાં આવે છે.

