Rajkotતા.૨૨
રાજકોટઃ ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના આદ્ય માર્ગદર્શક અને રાષ્ટ્રની એકતા કાજે જીવન સમર્પિત કરનાર પ્રખર રાષ્ટ્રભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો આગામી તા. ૨૩ જૂન અને મંગળવારના રોજ બલિદાન દિવસ છે. આ નિમિત્તે રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમના બલિદાનને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે તથા મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક મહાન રાજનીતિજ્ઞ, અદ્ભુત વિચારક અને અનન્ય દેશભક્ત હતા.
દેશની એકતા અને અખંડિતતા તેમના માટે સર્વોપરી હતી અને કાશ્મીર મુદ્દે તેઓ પોતાના વચનો પર હંમેશા અડગ રહ્યા હતા. ડો. મુખરજીએ અખંડ ભારત અને ખાસ કરીને કાશ્મીરની રક્ષા માટે આપેલા બલિદાનમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા મળે તે હેતુથી કાલે સમગ્ર શહેરમાં વિશેષ આયોજન કરાયું છે. જે અંતર્ગત તા. ૨૩ જૂન, મંગળવારે સવારે ૮ઃ૩૦ કલાકે શહેરના તમામ સંગઠન બુથોમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકર્તાઓ દ્વારા તેમને નમન કરવામાં આવશે.
ત્યારબાદ સવારે ૯ઃ૩૦ કલાકે શહેર ભાજપ દ્વારા મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં રેસકોર્ષ ખાતે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી મધ્યે તેમની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અને હારતોરો અર્પણ કરવામાં આવશે.

