New Delhi, તા. 25
દેશભરમાં સતત વધી રહેલાં સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી પર લગામ લગાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી 52મી પ્રગતિ બેઠક દરમિયાન તેમણે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં `ઈ-ઝીરો એફઆઈઆર’ વ્યવસ્થાને ઝડપથી લાગું કરવાનાં સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય એજન્ડા દેશની ડિજિટલ સિક્યોરિટીને અભેદ્ય બનાવવાનો હતો. વડાપ્રધાને અધિકારીઓને તાકીદ કરી છે કે તેઓ તાત્કાલિક દરેક રાજ્યનાં મુખ્ય સચિવ અને ડીજીપી સાથે આ ગંભીર મુદ્દે ચર્ચા કરે, જેથી કરીને સમગ્ર દેશમાં ઈ-ઝીરો એફઆઈઆરની પ્રક્રિયાને વિના વિલંબે અમલી બનાવી શકાય અને સાયબર ઠગો સામે ત્વરિત એક્શન લઈ શકાય.
નોંધનીય છે કે, આ નવી `ઈ-ઝીરો એફઆઈઆર’ પહેલ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત `ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર’ (NCRP) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ હેઠળ, જ્યારે પણ કોઈ મોટી રકમની સાયબર નાણાકીય છેતરપિંડીની ફરિયાદ ઓનલાઈન નોંધાશે અને તે વેરિફાઈ થશે, ત્યારે સિસ્ટમ તેને આપમેળે `ઝીરો એફઆઈઆર’ માં રૂપાંતરિત કરી દેશે.
આ નવી વ્યવસ્થાથી ડિજિટલ ફ્રોડનો ભોગ બનેલાં પીડિતોને મોટી રાહત મળશે. સામાન્ય રીતે સાયબર ક્રાઈમના કિસ્સામાં કયાં પોલીસ સ્ટેશનની હદ લાગું પડે છે તેવી ન્યાયિક અને ભૌગોલિક ગૂંચવણોમાં સમય વેડફાતો હોય છે. ઈ-ઝીરો એફઆઈઆરના કારણે પીડિતોને આવી કોઈ અડચણ નહીં નડે અને બેંકો તેમજ તપાસ એજન્સીઓ છેતરપિંડીથી ટ્રાન્સફર થયેલાં નાણાંને તાત્કાલિક હોલ્ડ કરી શકશે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલાં સત્તાવાર નિવેદન અનુસાર, પીએમ મોદીએ નિર્દોષ નાગરિકોને જાળમાં ફસાવવા માટે થઈ રહેલાં ડિજિટલ પ્લેટફોર્મ્સના દુરુપયોગ અને `ડિજિટલ અરેસ્ટ’ જેવા ગુનાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, સાયબર ગુનાઓ સામે લડવા માટે તમામ સંબંધિત એજન્સીઓએ પરસ્પર સમન્વય સાધીને, સંવેદનશીલતા સાથે અને સમયમર્યાદામાં કામ કરવું અનિવાર્ય છે. વડાપ્રધાને કાયદો અમલીકરણ એજન્સીઓ, બેંકો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ વચ્ચે બહેતર કો-ઓર્ડિનેશન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે.
તેમણે અધિકારીઓને સ્પષ્ટ જવાબદારી સ્વીકારવા અને ગુનેગારો પોતાનાં ગુનાને છુપાવે તે પહેલાં જ ઝડપી તપાસ શરૂ કરવા આદેશ આપ્યાં છે, સાથે જ જણાવ્યું છે કે તેઓ પોતે આ ઈ-ઝીરો એફઆઈઆરની પ્રગતિની સમીક્ષા કરતાં રહેશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં સાયબર ગુનેગારો દરરોજ નવી ટેકનિક અપનાવીને સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી લૂંટી રહ્યાં છે, તેથી સરકારી તંત્ર અને તપાસ એજન્સીઓએ તેમનાં કરતાં બે ડગલાં આગળ રહેવું પડશે.
`ઈ-ઝીરો એફઆઈઆર’ જેવી ડિજિટલ વ્યવસ્થા માત્ર કાગળ પર ન રહેતાં જમીની સ્તરે સચોટ રીતે કામ કરે તે માટે પોલીસ વિભાગનાં આધુનિકીકરણ અને સાયબર સેલના કર્મચારીઓને વિશેષ તાલીમ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

