New Delhi તા.27
આફ્રિકન દેશોમાં પ્રકોપ સર્જી રહેલા ઇબોલા વાયરસની ભારતમાં એન્ટ્રી થઇ હોય તેમ યુગાન્ડાથી આવેલી મહિલામાં રોગચાળાના લક્ષણો જણાતા હોસ્પીટલમાં આઇસોલેટ કરવામાં આવી છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. મહિલાના સેમ્પલ તપાસ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે.
કર્ણાટકના આરોગ્ય સચિવે કહ્યું કે, મહિલામાં તાવ જેવા કોઇ લક્ષણ નહતા. યુગાન્ડાથી આવેલી મહિલાની પ્રારંભિક તપાસમાં કાંઇ શંકાસ્પદ લક્ષણોને પગલે હોટલમાંથી હોસ્પીટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય સંકેતો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઇબોલા વાયરસને તબીબી જગતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 50% થી લઈને 90% સુધી પહોંચી શકે છે. આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ , હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો ફેલ થઈ જાય છે.
આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે.
ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કડક સ્ક્રિનિંગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

