New Delhi,તા.10
EPFOને લઈને ઘણી વાર મોટાભાગના કર્મચારીઓ ફરિયાદ કરતાં જોવા મળ્યા છે. આ ફરિયાદમાં સૌથી વધુ ફરિયાદ પેપરવર્ક અને કંપનીઓ પર વધુ નિર્ભર રહેવું પડે છે એની હોય છે. કર્મચારીઓએ પોતાના પૈસા ઉપાડવા હોય તો પણ કંપની પર નિર્ભર રહેવું પડે છે.
આથી સરકાર હવે દરેકની સમસ્યાનું સમાધાન EPFO 3.0માં લઈને આવી રહી છે. આ સુવિધાને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. એ લોન્ચ થયા બાદ PFનું એક્સેસ એકદમ જ સરળ બની જશે.
આ સિસ્ટમમાં ક્લેમને ફટાફટ સેટલ કરવામાં આવશે, પેપરવર્ક પણ ખૂબ જ ઓછું થઈ જશે અને કંપની પર પણ આધાર નહીં રાખવો પડે. કોઈ પણ કર્મચારી અઝખ અથવા તો UPIની મદદથી પૈસા ઉપાડી શકશે.
EPFO 3.0 એક રીતે જોવા જઈએ તો જે પણ કર્મચારીઓ માટેની મેન્યુઅલ સેવાઓ હતી એને ડિજિટલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આથી હવે સરકાર દ્વારા લાખો લોકોને આ સર્વિસને ડિસ્ટ્રીબ્યુટ કરવી ખૂબ જ સરળ રહેશે.
આ સિસ્ટમની ઘણી સર્વિસ આગામી મહિનામાં શરૂ કરવામાં આવી શકે છે. પહેલેથી જ ઘણી સર્વિસ ઓનલાઇન શરૂ થઈ ગઈ છે અને હવે એમાં બાકીની સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ સર્વિસમાં જેટલાં પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે એમાંથી સૌથી મોટા બદલાવમાંનું એક ક્લેમ સેટલમેન્ટ છે. EPFO દ્વારા ઓટો સેટલમેન્ટની સુવિધા આપી છે અને એની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
વિડ્રોલ રિક્વેસ્ટ માટેની સિસ્ટમ માટે હવે ઓટોમેટિક અપ્રૂવલ આપવામાં આવ્યું છે. આથી મેન્યુઅલ અપ્રૂવલ નહીં કરવું પડે અને સમયનો પણ બચાવ થશે. આ બદલાવને કારણે હવે કંપનીઓ પર નિર્ભર પણ નહીં રહેવું પડે. પહેલાં નોકરી બદલતી વખતે PF એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કંપનીના અપ્રૂવલની જરૂર પડતી હતી. આ માટે સમય લાગતો હતો.
નવી સિસ્ટમમાં જે પણ એકાઉન્ટમાં KYC હશે તેમના માટે ઘણી સર્વિસ ઓટોમેટિક આપવામાં આવી છે. એનાથી કર્મચારીઓને પોતાના ફંડને ઓટોમેટિક ટ્રાન્સફર કરવાની છૂટ મળશે. EPFO 3.0માં જે બદલાવ કરવામાં આવી રહ્યો છે એમાં હવે બીજો મહત્ત્વનો બદલાવ પૈસા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉપાડી શકાય એ છે. એટલે કે હવે UPIનો ઉપયોગ કરીને કર્મચારીઓ તેમના પૈસા ઉપાડી શકશે.
EPFO 3.0 દ્વારા પેન્શન સિસ્ટમને પણ યૂનિફાઇડ કરવામાં આવી રહી છે. પેન્શન મેળવનાર લોકોને સરળતા રહે અને પેન્શનને વધુ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય એ માટે મોટા ભાગની ઓફિસમાં યૂનિફાઇડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી છે.

