ભક્તિનગર પોલીસે ત્રાટકી રંગમાં ભંગ પાડ્યો : દારૂની ચાર બોટલ અને બાઇટીંગ કબજે
Rajkot, તા,02
શહેરના નેહરૂનગરમાં આવેલા ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દારૂની મહેફિલ માણતા કારખાનેદાર અને બે વેપારીઓ ઝડપાયા હતા. ભક્તિનગર પોલીસે કારખાનામાંથી ચાર બોટલ દારૂ અને બાઈટિંગ સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ રવિભાઈ રત્નુ, નરસંગભાઇ ગઢવી સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, નેહરૂનગર શેરી નંબર 4 માં આવેલા ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓફિસમાં ત્રણ શખસો દારૂની મહેફિલ માણતા હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મેહુલ કાંતિભાઈ ઠેશીયા (ઉ.વ. 35 રહે. ભવનાથ પાર્ક 2, શેરી નંબર 12, હરિધવા રોડ), અંકિત તુલસીભાઈ રૂપારેલીયા (ઉ.વ. 35 રહે. લાલપાર્ક સોસાયટી શેરી નંબર-૧ બોલબાલા રોડ) અને જીગ્નેશ છગનભાઈ તોગડીયા (ઉ.વ. 43 રહે. શિવ શ્રદ્ધા પાર્ક શેરી નંબર-૧ લાલ પાર્ક મેઇન રોડ) હોવાનું જણાવ્યું હતું. ત્રણેયએ નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે અહીંથી દારૂની એક અડધી બોટલ અને ત્રણ સીલપેક બોટલ સહિત ચાર બોટલ અને બાઈટિંગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.કારખાનું મેહુલ ઠેસિયાનું છે જ્યારે અન્ય બંને આરોપી વેપારી હોય અને તે કારખાનેદારના મિત્ર છે. જેથી ત્રણેય મિત્રો અહીં દારૂની બોટલ લાવી શરાબની મહેફિલ માણી રહ્યા હતા.

