સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઘરે ધસી જઈ શરીર સંબંધ બાંધ્યો
પરિણીતા ગર્ભવતી થતાં આપણે ભાગીને લગ્ન કરી લઈએ કહી અમદાવાદ ભગાડી ગયો : બે દિવસ સુધી હોટેલમાં રાખી હવસ સંતોષી
પતિએ અપનાવાની ના પાડી દીધી : આ બાળક મારૂ છે કે નહિ કેમ ખબર પડે કહી પ્રેમીએ પણ તરછોડી દીધી
બાળકીનો જન્મ થયાં બાદ પણ પ્રેમીએ સાથે રહેવાનો ઇન્કાર કરી દીધો : અંતે પરિણીતાએ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
Rajkot,તા,02
શહેરના ઉપલા કાંઠાની પરિણીતાને લગ્ન કરવાનું કહી કૌટુંબિક દિયરે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને સાસરિયેથી ભગાડી અમદાવાદ લઈ જઈ હોટેલમાં પણ હવસખોરે બે દિવસ સુધી પોતાની હવસ સંતોષી હતી. દરમિયાન પરિણીતા ગર્ભવતી પણ બની હતી. જે બાદ આ બાળક મારૂ છે કે નહિ તે કેમ ખબર પડે કહી હવસખોરે પરિણીતાને તરછોડી દીધી હતી. સંત કબીર રોડ પર માવતરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં હવસખોર તરીકે કૌટુંબિક દિયર કરણ અરવિંદભાઈ બારૈયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2021 માં કુવાડવા રોડ પર રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતરીવાજ મુજબ થયેલ છે અને મારે સંતાનમા એક દિકરી છે, જેનો જન્મ પાંચ દિવસ પહેલા થયેલ છે.
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લગ્નના એક વર્ષ સુધી સાસરિયાએ મને સારી રીતે રાખી હતી. બાદમાં સાસરીયા મને માનસીક તેમજ શારીરીક ત્રાસ આપતા હતા. મારા સાસુ મને નાની-નાની વાતમાં મેણા ટોણા મારતા અને પતિને મારી વિરૂધ્ધ ચડામણી કરતા હતા. જેથી પતિ મારી સાથે મારકૂટ કરતા હતા. જેથી હું સતત તણાવમાં રહેવા લાગી હતી પણ મારા પિયરમાં કોઇ દુઃખી ન થાય એટલે કોઈને વાત કરેલ ન હતી. લગ્ન બાદ પતિનો કૌટુંબીક ભાઈ કરણ અરવીંદભાઈ બારૈયા અવાર નવાર અમારા ઘરે આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થયેલ હતી. પરિણીતાએ જણાવ્યું હતું કે, કરણે એક દિવસ મને પૂછેલ કે, ભાભી તમે કેમ રડો છો? જેથી મે તેને આખી વાત કહેલ હતી. બાદ કરણે મને કહેલ કે ભાભી તમે ચીંતા ન કરો, હું તમારી સાથે છુ. ત્યારબાદ અમે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. જે પછી અમારી વોટ્સઅપમાં વાતચીત થતી હતી. કરણ મને હંમેશા વિશ્વાસ અપાવતો અને કહેતો કે, હું તમારી સાથે છુ અને તમારી સાથે કાયમ રહીશ.
બાદ એક દિવસ કરણે મને કહેલ કે, ભાભી તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા? તો મેં તેને કહેલ કે, હુ તેને છોડીને જાવ ક્યાં? ત્યારે કરણે મને કહેલ કે મને તમે ગમો છો અને તમે જો તમારા પતિને છોડી દેશો તો હુ તમારી સાથે લગ્ન કરીશ. હું સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હોય અને કરણે મને વિશ્વાસ આપ્યો હોવાથી મેં તેને કહેલ કે તુ મારી સાથે હોય તો આપણે લગ્ન કરી લેશુ. બાદ આશરે નવેક મહીના પહેલા એક દિવસ કરણ મારા ઘરે આવેલ હતો, તે દિવસે મારા ઘરે કોઇ હતુ નહી. ત્યારે કરણે મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરેલ હતી. જેથી મે કરણને કહેલ કે, આ વાત ખોટી છે, આપણે લગ્ન કર્યા પછી શારીરીક સબંધ બાંધીશુ. ત્યારે કરણે કહેલ કે તુ કેમ ચીંતા કરશ, હુ તારી સાથે લગ્ન કરવાનો જ છુ અને મે મારા પપ્પા સાથે પણ વાતચીત કરેલી છે તેમ કહી તેણે મારી સાથે બળજબરીપૂર્વક મરજી વિરુદ્ધ શારીરીક સબંધ બાંધેલ હતો. કરણ મારી સાથે લગ્ન કરવાનું કહેતો હોય જેથી મે આ બાબતની કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ અવાર-નવાર તે મારી સાથે બળજબરી પૂર્વક શારીરીક સબંધ બાંધતો અને હંમેશા મને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવતો હતો. આ સમયગાળા દરમિયાન મારા પતિ પણ મારી સાથે શારીરીક સબંધમા રહેતા હતા.
પરિણીતાએ જણાવ્યું હતું કે, અંદાજે નવ મહીના પહેલા હું ગર્ભવતી થઇ હતી. જે વાત મેં કરણને કરતા તેણે મને ટૂંક સમયમાં ભાગી લગ્ન કરી લઇશુ તેમ જણાવ્યું હતું. ત્રણ મહીના બાદ કરણે મને એક દિવસ કહેલ કે મારે તારી સાથે લગ્ન કરવા છે, હવે આપણે ભાગી જઇએ. તે સમયે મેં કરણને કહેલ કે, તુ મને છોડી તો નહી દેને? તો કરણે મને આજીવન સાથે રહીશ તેવો વિશ્વાસ અપાવેલ હતો. બાદ કરણ મને અમદાવાદ ખાતે ભગાડી લઇ ગયેલ હતો જયા બંને ઇસ્કોન ચારર સ્તા પાસે એક હોટેલમા બે દિવસ રોકાયેલ હતા. હોટેલમાં પણ કરણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે દિવસ બાદ કરણના પિતા તથા મારા સંબંધીઓ હોટેલમા આવી ગયેલ અને અમને પરત રાજકોટ લઇ આવેલ હતા. રાજકોટ આવ્યા બાદ મારા પતિએ મને અપનાવાની ના પાડતા મને મારા નાના-નાનીના ઘરે મોકલી આપેલ હતી. જયાથી હું માતા-પિતાના ઘરે જતી રહેલ હતી. બાદ મે કરણ સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા પરિજનોએ કરણને મારા ઘરે બોલાવેલ હતો. તે સમયે કરણે મને કહેલ કે હું તને લઇ જવા માંગતો નથી. જેથી મેં તેને કહેલ કે તો તે મને શા માટે વિશ્વાસ અપાવેલ હતો? આવુ પૂછતા કરણે બધા વચ્ચે કહેલ કે, તારા પેટમાં રહેલુ બાળક મારૂ છે કે નહી તે કેમ ખબર પડે? મારે હવે તુ જોતી નથી. બાદમાં કરણ અને તેના પરિજનો ચાલ્યા ગયેલ હતા. બાદ કરણ અને તેના પરિવારજનોને અવાર નવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન ગત તા.૨૬/૦૫/૨૦૨૬ ના રોજ મારે ત્યાં દિકરીનો જન્મ થયેલ હતો. જે બાદ પણ કરણ મને કે મારા બાળકને અપનાવવા તૈયાર નહિ થતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

