Mumbai, તા.૨૬
નમિત મલ્હોત્રાની “Ramayana” એ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. દર્શકો રણબીર કપૂરની આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ તાજેતરમાં રામાયણનું બીજું ગીત “મંગલ રંગ” રિલીઝ કર્યું છે. આ સંગીતમય પ્રસ્તુતિ દર્શકોને ફિલ્મની દુનિયાની ઝલક તો આપે જ છે, પણ ભગવાન રામ અને માતા સીતાજી વચ્ચેની સુંદર ક્ષણોને દર્શાવતા દ્રશ્યો પણ અનોખા રીતે રજૂ કરે છે.
આ ગીત ફક્ત ટી-સીરીઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ, વર્લ્ડ ઓફ રામાયણમ પર ઉપલબ્ધ છે. આ ગીત પ્રભુ રામ અને સીતાજીની યાત્રાના વિવિધ ક્ષણોને કેદ કરે છે, જેમાં મહેલની ભવ્યતા, લગ્નની પવિત્રતા અને અયોધ્યાથી દૂર તેમના સમયનો સમાવેશ થાય છે. રામજીને દર્શાવતા દ્રશ્યોમાં, તેઓ તલવાર સાથે ધનુષ્ય અને તીર ચલાવતા જોવા મળે છે. “મંગલ રંગ” ગીત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં એકસાથે રિલીઝ કરવામાં આવ્યું છે.તે એ. આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમાં હિન્દીમાં શબ્દો ડૉ. કુમાર વિશ્વાસ દ્વારા લખવામાં આવ્યા છે.
આ ગીતનું હિન્દી વર્ઝન અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે, જ્યારે અન્ય ભાષાઓમાં વિવિધ ગાયકો અને ગીતકારો દ્વારા તેને અવાજ આપવામાં આવ્યો છે.આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતાજી, રોકિંગ સ્ટાર યશ રાવણ, સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. જ્યારે ભાગ ૨ વર્ષ ૨૦૨૭ના દિવાળીના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

