Mehsana,તા.૩
મહેસાણાના મોઢેરા ચોકડી પાસે નવા બસ સ્ટેશન પાસે એસટી બસે ટક્કર મારતાં પિતાનું તેના પુત્રની સામે જ મોત થયું હતું. બસે ટક્કર મારતાં આધેડ પિતા બસના પાછળના ટાયરમાં ઢસડાયા હતા અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પિતાનું તેમના પુત્રની નજર સામે જ મૃત્યુ થયું હતું. તેમની સાથે એક્ટિવા પર જઈ રહેલા તેમનો પુત્ર અકસ્માતમાં બચી ગયો હતો. મહેસાણા શહેર ‘બી’ ડિવિઝન પોલીસે એસટી બસ ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડી તાલુકાના અલકૌસર રેસિડેન્સીમાં રહેતા અને વાયરિંગ કામ કરતા મહમૂદ બિલાલ અબ્દુલનબી બિડીવાલા (ઉંમર ૨૩ વર્ષ) અને તેમના પિતા અબ્દુલનબી અબ્દુલકરીમ બિડીવાલા ગઈકાલે સવારે મહેસાણાના રાધનપુર ચોકડી નજીક ભાગ્યોદય હોટેલમાં વાયરિંગનું કામ કરવા માટે તેમના એક્ટિવા પર ગયા હતા. બીજી જૂનના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ કામ પૂરું કર્યા પછી, પિતા અને પુત્ર તેમના એક્ટિવામાં બેસીને ઘરે ગયા.
દરમિયાન, જ્યારે તેઓ બપોરે પોણા ત્રણ વાગ્યે મહેસાણાના મોઢેરા ચોકડી નજીક નવા બસ સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે પાછળથી આવતી લાલ રંગની એસટી બસ ઝડપથી બસ સ્ટેશન તરફ વળી ગઈ. બસનું પાછળનું ડાબું ટાયર એક્ટિવાને જોરદાર ટક્કર મારી. ટક્કર લાગતાં, પિતા અને પુત્ર બંને રસ્તા પર પટકાયા હતા અને પિતા અબ્દુલનબી અબ્દુલકરીમ બીડીવાલા બસના પાછળના ટાયરમાં ફસાઈ જતાં ઢસડાયા હતા.
અકસ્માત સ્થળે ભીડ એકઠી થઈ ગઈ. ગંભીર રીતે ઘાયલ આધેડ વ્યક્તિને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.
ઘટનાની માહિતી મળતાં, ‘બી’ ડિવિઝન પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતકનો પુત્ર મોહમ્મદ બિલાલ આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયો હતો. પુત્રની ફરિયાદના આધારે, પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

