Mumbai,તા.29 ન્યૂ
ફિફા વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની વિજયી કૂચ યથાવત રહી છે. સ્ટાર ફોરવર્ડ ઉસ્માન ડેમ્બેલેની વિસ્ફોટક હેટ્રિકના જોરે ફ્રાન્સે નૉર્વેને 5-1ના મોટા અંતરથી પરાજય આપીને ગ્રુપ સ્ટેજનો શાનદાર અંત કર્યો છે. આ ધમાકેદાર પ્રદર્શન સાથે ડેમ્બેલેએ ગોલ્ડન બૂટની રેસમાં પણ મજબૂત દાવેદારી નોંધાવી દીધી છે, જ્યાં પહેલેથી જ કિલિયન એમબાપ્પે અને લિયોનેલ મેસી જેવા દિગ્ગજો વચ્ચે જંગ જામ્યો છે.
ઉસ્માન ડેમ્બેલે અને કિલિયન એમબાપ્પે જેવા સ્ટાર ખેલાડીઓના કરન્ટ ફોર્મને જોતાં ફ્રાન્સ આ વખતે ટાઇટલ જીતવા માટેનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો ટીમ આ જ લય જાળવી રાખશે, તો ટૂર્નામેન્ટમાં ફ્રાન્સને રોકવું કોઈપણ ડિફેન્સ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે.
પ્રથમ હાફમાં ડેમ્બેલેનો દબદબો: 1994 પછી બન્યો ઐતિહાસિક રેકોર્ડ
શનિવારે (27 જૂન) ફોક્સબોરોના બોસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ફ્રાન્સે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું.
- 07મી મિનિટ: કિલિયન એમબાપ્પેના સચોટ પાસ પર ઉસ્માન ડેમ્બેલેએ શાનદાર ગોલ કરીને ફ્રાન્સનું ખાતું ખોલાવ્યું અને ટીમની લીડ 1-0 કરી.
- 20મી મિનિટ: ડેમ્બેલેએ બોક્સની બહારથી અદભુત ફિનિશિંગ કરીને પોતાનો બીજો ગોલ નોંધાવ્યો હતો.
- નૉર્વેનો વળતો પ્રહાર: ડેમ્બેલેના બીજા ગોલ બાદ નૉર્વેએ વળતો પ્રહાર કર્યો હતો. થેલો આસગાર્ડે રીસ્ટાર્ટના માત્ર 14 સેકન્ડની અંદર ગોલ ફટકારીને સ્કોર 2-1 કર્યો હતો.
- 32મી મિનિટ: ફ્રાન્સે દબાણ ઓછું થવા દીધું નહીં. ડેમ્બેલેએ વધુ એક આકર્ષક ગોલ કરીને નૉર્વેની આશાઓ પર પાણી ફેરવી દીધું અને પોતાની હેટ્રિક પૂર્ણ કરી.
ઐતિહાસિક સિદ્ધિ: વર્લ્ડ કપના ઇતિહાસમાં વર્ષ 1994 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ મેચના પ્રથમ હાફમાં જ હેટ્રિક ફટકારી હોય. આ પૂર્વે 1994ના વર્લ્ડ કપમાં રશિયાના ઓલેગ સાલેન્કોએ કેમરૂન સામે ફર્સ્ટ હાફમાં 3 ગોલ નોંધાવ્યા હતા.
ગોલ્ડન બૂટની રેસ થઈ વધુ રોમાંચક
વર્ષ 2025ના બેલોન ડી’ઓર વિજેતા ઉસ્માન ડેમ્બેલેના નામે હવે આ વર્લ્ડ કપમાં કુલ 4 ગોલ થઈ ગયા છે. હાલમાં લિયોનેલ મેસી 5 ગોલ સાથે આ યાદીમાં ટોચ પર છે, જ્યારે ફ્રાન્સનો કિલિયન એમબાપ્પે 4 ગોલ અને 2 આસિસ્ટ સાથે બીજા સ્થાને છે. ડેમ્બેલેની આ હેટ્રિકના કારણે ગોલ્ડન બૂટ માટેની સ્પર્ધા રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે.મેચના બીજા હાફમાં નૉર્વેને વાપસી કરવાની સુવર્ણ તક મળી હતી જ્યારે તેમને પેનલ્ટી એવોર્ડ થઈ હતી. જોકે, જ્યોર્ગેન સ્ટ્રાન્ડ લાર્સનના પાવરફુલ શોટને ફ્રાન્સના ગોલકીપર માઇક મેગ્નને અદભુત ડાઇવ લગાવીને બચાવી લીધો હતો.
મેચના ઇન્જરી ટાઇમમાં ડિઝિરે ડોએએ ફ્રાન્સ માટે ચોથો ગોલ કરીને જીત નિશ્ચિત કરી દીધી હતી. ત્યારબાદ ફ્રાન્સે વધુ એક ગોલ ઉમેરીને સ્કોરલાઇન 5-1 કરી દીધી હતી. ગ્રુપ સ્ટેજની 3 મેચોમાં ફ્રાન્સે કુલ 10 ગોલ ફટકારીને પોતાની આક્રમક ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
ભાવુક ક્ષણો: મુખ્ય કોચની ગેરહાજરીમાં ટીમની મોટી જીત
ફ્રાન્સના મુખ્ય કોચ દિદિયર દેશાંપ્સ તેમની માતા જેનેટ દેશાંપ્સના દુઃખદ નિધનને કારણે પરિવાર સાથે ફ્રાન્સમાં હોવાથી આ મેચમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમની ગેરહાજરીમાં આસિસ્ટન્ટ કોચ ગાય સ્ટેફને ટીમની કમાન સંભાળી હતી. મેચની શરૂઆત પહેલાં ફ્રાન્સના ફેન્સે સ્ટેડિયમમાં “AVEC TOI DIDIER” (અમે તમારી સાથે છીએ, દિદિયર) લખેલાં બેનર્સ પ્રદર્શિત કરીને પોતાના કોચ પ્રત્યે સંવેદના અને સમર્થન વ્યક્ત કર્યું હતું.
નોકઆઉટનું સમીકરણ
વર્ષ 1998 અને 2018ની વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ પહેલાંથી જ નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય કરી ચૂકી છે. હવે રાઉન્ડ ઓફ 32માં ફ્રાન્સનો સામનો ત્રીજા ક્રમે રહેલી શ્રેષ્ઠ ટીમોમાંથી કોઈ એક ટીમ સામે થશે, જ્યારે નૉર્વેની ટીમ આગામી રાઉન્ડ ઓફ 32માં આઇવરી કોસ્ટ સામે ટકરાશે.

