Gondal, તા.13
ભગવતપરા વાછરા રોડ પર હત્યા પ્રયાસની ઘટના બની હતી. પરિવાર પર પાઇપ ધોકાથી હુમલો કરાતા 4 ભાઈ – બહેન ઘવાયા હતા. બે બહેનોને વધુ ઈજા હોવાથી રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી. અગાઉ કૌટુંબની એક યુવતીની છેડતી કરાઈ હોય તે બાબતે ફરી ઝઘડો થયો હતો. પોલીસે હત્યા પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં ઈજાગ્રસ્ત થયેલ પ્રિતીબેન સોંદરવા (ઉંમર વર્ષ 23)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ મનોજભાઈ ભોજાભાઈ સોંદરવા છે. હું મારાં પરિવાર સાથે ગોંડલમાં ભગવતપરા, વાછરા રોડ, વી.કે. નગર, બાલમંદીરની બાજુમાં રહું છું અને સરકારી નોકરીની ભરતી પરીક્ષાની તૈયારી કં છું. અમો ચાર બહેનો તથા એક ભાઈ છીએ. મારા માતા રેખાબેન સને 2021 માં કોરોનામાં અવસાન પામેલ છે.
અમો બધા મારા પિતા સાથે રહીએ છીએ. મેં બી.એ. સુધી અભ્યાસ કરેલ છે. ગઇકાલ તા.12/04/2026 ના સાંજના આશરે છ વાગ્યાના અરસામાં હું તથા મારો ભાઇ પાર્થ એમ બંને અમારા ઘરની બહાર બેઠેલ હતા ત્યારે મારી નાની બહેન અંજલીબેનએ નાસ્તો કરવા બોલાવતા અમો બંને અમારા ઘરે ગયેલ તેવામાં અમારા ઘરની સામે રહેતા અમારી જ્ઞાતીના કેશુબેન બાબુભાઈ સોલંકી તથા જલ્પાબેન અમે બંનેએ આશરે સાડા છ વાગ્યાના અરસામાં મારી બહેન વંદનાને બોલાવતા તે તેના ઘર તરફ ગયેલ.
ત્યારે આ બંને મારી બહેન વંદનાને અપશબ્દો બોલવા લાગેલ અને મારી બહેન વંદના બોલતી હોવાનો અવાજ સંભળાતા હું તથા મારી બહેન અંજલી તથા મારો ભાઇ પાર્થ એમ ત્રણેય બહાર નિકળેલ તો આ કેશુબેન તથા જલ્પાબેન તથા કિર્તીબેન બાબુભાઈ સોલંકી એમ ત્રણેય મારી બહેન વંદનાને ગાળો આપી ઢીકા પાટુ મારતા હોય જેથી અમો ત્રણેય તેઓ પાસે ગયેલ તેવામાં તેના ઘરમાંથી નવીન ઉર્ફે નરેન્દ્ર બાબુભાઈ સોલંકી બહાર નિકળેલ અને અમોને જોઈ ઘરમાંથી લોખંડનો પાઈપ લઈ નિકળેલ અને તેની સાથે તેના પિતા બાબુભાઈ લાકડી લઇ બહાર આવેલ.
ત્યારે કીર્તિ તથા જલ્પાબેન લાકડી લઈને આવેલ. પાયલબેનનો ઘરવાળો અશોક પણ આવેલ આ બધા એક સંપ કરી અમોને મારવા લાગેલ. બચાવમાં હું બેટ લઈ બહાર નિકળેલ તેવામાં નવીન આજે તો તમને બંધાને મારી જ નાખવા છે તેમ કહી મને માથામાં પાઇપ જોરથી મારેલ. મારા ભાઈ પાર્થને હાથમાં લાગેલ હોય તેમજ મારી બહેન વંદનાબેને માથામાં કપાળના ભાગે તથા ખંભાના ભાગે તથા મારી બહેન અંજલીબેનને માથાના પાછળના ભાગે લાગેલ. અમને ગોંડલ સરકારી હોસ્પિટલ લઈ ગયા બાદ મને અને મારી બહેન અંજલી ને વધુ ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવો કે ગોંડલ પોલીસે હત્યા પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.

