Surat ,તા.૯
દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો હવે પૂર્ણ થઈ ગઈ છે. વાસ્તવમાં સુરત કલેક્ટર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ૨૫ મેથી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થશે, જ્યારે ૧૫ જુલાઈના રોજ મતદાન યોજાશે.
સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થતા જ રાજકીય અને સહકારી વર્તુળોમાં ચહલપહલ તેજ બની ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરાવાથી લઈને ચકાસણી અને પ્રચાર સુધીની તમામ કાર્યવાહી તબક્કાવાર હાથ ધરાશે. કલેક્ટર દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમને હાઈકોર્ટ સમક્ષ સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું હોવાથી હવે ચૂંટણી યોજાવા અંગેનો માર્ગ સંપૂર્ણપણે સાફ બન્યો છે.
આ વખતે ચૂંટણીમાં રાજકીય રંગ પણ વધુ ગાઢ બનવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સુમુલ ડેરીની ચૂંટણીમાં પક્ષ સત્તાવાર મેન્ડેટ જાહેર કરશે. પાર્ટી સંગઠન દ્વારા એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ કાર્યકર અથવા નેતા પક્ષના નિર્ણય વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવશે, તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
સુમુલ ડેરીની ચૂંટણીને ખેડૂતો, પશુપાલકો અને સહકારી આગેવાનો ખૂબ નજીકથી નિહાળી રહ્યા છે. દૂધ ઉત્પાદકોના હિત સાથે સીધો સંબંધ ધરાવતી આ સંસ્થામાં સત્તા કોના હાથમાં જશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા જ સહકારી અને રાજકીય ગતિવિધિઓ વધુ ગરમાશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

