(રવિ નિમાવત દ્વારા) Morbi તા.6
મોરબી હળવદ હાઇવે પર આવેલ ચરાડવા ગામ નજીકથી રાત્રિના 9ઃ30 વાગ્યાના અરસામાં કાર પસાર થઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી અને કાર ડમ્પરમાં ઘૂસી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો
આ બનાવની અંદર કારમાં બેઠેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી પાંચ યુવાનોના મોત નિપજ્યા છે અને બે યુવાન હાલમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. મૃતકમાં હળવદ તા.પં.ના `આપ’ના નવા સદસ્ય પણ સામેલ છે.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પાંચ અગ્રણીઓ કિયા કાર લઈને અકસ્માતમાં ઇજા પામેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં રોડ ક્રોસ કરી રહેલા ડમ્પરમાં કિયા કાર ઘૂસી ગઈ હતી.
જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના કારમાં બેઠેલા કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ અને બે વ્યક્તિઓના સારવાર દરમિયાન આમ કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલમાં સારવાર છે
વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં સુરેશભાઈ વિશાભાઈ સિહોરા 47, વિરમભાઈ ભીમાભાઇ દઢેયા 28 અને પરેશભાઈ દિલીપભાઈ દઢેયા 24 ને ગંભીર ઇજા થઈ હોવાથી તે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલા પ્રેમજીભાઈ દઢેયા 59, ભરતભાઈ પ્રભુભાઈ દઢેયા 39, પ્રકાશભાઈ ભરતભાઈ દઢેયા 25 અને દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢેયા 59ની ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા દરમિયાન પ્રેમજીભાઈ દઢૈયા અને ભરતભાઈ દઢૈયાનું સારવારમાં મોત નિપજ્યું છે જ્યારે પ્રકાશભાઈ અને દિલીપભાઈ હાલમાં સારવાર હેઠળ છે
ચરાડવા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજન પાસેથી મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવની અંદર ઇજા પામેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને કારમાં બેસાડીને સારવાર માટે લઈને જતા હતા ત્યારે ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ ની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળતું ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે ડમ્પરની સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો. અને કારનો બૂકડો બોલી ગયો હોવાથી કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા.
જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે
વધુમાં મળતી માહિતી મુજબ પરેશભાઈ હળવદ ખાતે સમાજની બંધારણની મિટિંગમાં ગયા હતા અને ત્યાંથી બાઈક લઈને પાછા પોતાના ઘરે રણછોડગઢ ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં માનસર ગામ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો આ બનાવમાં પરેશભાઈને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે લઈને આવી રહ્યા હતા.
જોકે અકસ્માતના આ બનાવની પરેશભાઈના પિતા દિલીપભાઈને જાણ થઈ હોવાથી દિલીપભાઈ અને અન્ય લોકો કાર લઈને તેને માનસર ગામે તેને લેવા માટે ગયા હતા અને રસ્તામાં 108 તેમને સામી આવતા 108 થી પણ વધુ ઝડપે હોસ્પિટલે પરેશભાઈને પહોંચાડી શકાય તે માટે થઈને પરેશભાઈને 108 માંથી ઉતારીને પ્રાઇવેટ કારમાં બેસાડીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચરાડવા ગામ પાસે ડમ્પરમાં કાર ઘૂસી ગઈ હતી અને આ જીવલેણ અકસ્માત સર્જાયો છે.
કારમાં સવાર 7 પૈકી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થતા સમગ્ર રણછોડગઢ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, માનસર ગામે રણછોડગઢના યુવાન પરેશ દિલીપભાઈ ડઢૈયાનું બાઈક સ્લીપ થતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત પરેશને મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવા તેના પિતા દિલીપભાઈ સહિત ગામના 6 આગેવાનો કિયા કાર લઈને નીકળ્યા હતા. કારમાં કુલ 7 લોકો સવાર હતા. ચરાડવા પાસે પહોંચતા સામેથી આવતા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી.
આ ભયાનક ટક્કરમાં સુરેશ વિસાભાઈ સિહોરા ઉ.વ.45, વિરમ ભીમાભાઈ ડઢૈયા ઉ.વ.28 અને પરેશ દિલીપભાઈ ડઢૈયા ઉ.વ.24નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા હળવદ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અકસ્માતમાં રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશ અમીરભાઈ ડઢૈયા અને દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી.
ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવાર અને ગામના 5 લોકોના એકસાથે મોત થતા રણછોડગઢ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

