આરોપીએ વકીલ રોકવાના બહાને છ માસ કેસ ડિલે કર્યો હતો, સ્પે.પીપી અને ફરિયાદી ડે ટુ ડે કેસ ચલાવવા તૈયાર હોવાની દલીલો
Rajkot તા.૬ઃ
કોઠારીયા રોડ વિસ્તારમાં દોઢેક વર્ષ પહેલાં ડેલા સામે ઊભા રહેવા જેવી નજીક બાબતે યુવાનની હત્યાના જેલ હવાલે રહેલા આરોપી ફાઇનાન્સર દોલતસિંહ સોલંકીની ટ્રાયલ ચાલતી ન હોય સ્પીડી ટ્રાયલ તેનો અધીકાર હોય તેવું કારણ આગળ ધરી કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, ૨૦૨૪ના નવેમ્બર માસના આ બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલે બેઠક ધરાવતા હાર્મીશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ. ૨૮) તેના ભાઇ રાધિક ગજેરાને ખોડીયાર હોટલ પાસે કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા દોલતસિંહ ઉર્ફે દોલુભા ભાવસિંહ સોલંકીએ ત્યાં નહી ઉભા રહેવાનું કહી ઝઘડો કર્યા બાદ ખાર રાખીને હાર્મીશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ. ૨૮)ને છાતીના વચ્ચેના ભાગે, ડાબા પડખાના ભાગે તથા વાસાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી હાર્મીશની હત્યાના ગુન્હાના કામે ડિસેમ્બર ૨૦૨૪થી જેલ હવાલે રહેલ દોલતસિંહ ભાવસિંહ સોલંકીએ તેની સામેની ટ્રાયલ ડીલે થતી હોવાનું સેશન્સ કોર્ટને જણાવી જામીન ઉપર મુકત કરવા કરેલ રજુઆતો સામે મુળ ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા લેખીત વાંધા રજુ કરી સ્પેશ્યલ પી.પી. મારફત રજુઆત થયેલ કે કેસની ટ્રાયલ શરૂ થઈ ગયેલ છે,
ત્રણ સાક્ષી તપાસાઈ ગયેલ છે, નજરે જોનાર મુખ્ય સાક્ષી તપાસવાના છે, પ્રોસિકયુશન તરફથી કયારેય કોઈ મુદત માગવામાં આવેલ નથી, આરોપીએ વકીલ રોકવા માટે આશરે છ માસ જેટલો સમય પસાર કરી ટ્રાયલ ડીલે કરી હતી. ફરીયાદપક્ષ ડે ટુ ડે કેસ ચલાવવા તૈયાર હોવા સહિતની દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી દોલતસિંહ સોલંકીની જામીન અરજી નામંજુર કરી છે. આ કામમાં સ્પેશિયલ પી.પી. નિતેશ કથીરિયા, મુળ ફરીયાદી રાધિક ગજેરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા રોકાયા હતા.

