Rajkot તા.૬ઃ
શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી પોતાનું બાઈક લઈ મવડી ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્મતા સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો ધ્રુમીલ વિપુલભાઈ ડોડીયા નામનો ૨૧ વર્ષનો યુવાન રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ મવડી બાપાસિતારામ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ધ્રુમીલ ડોડીયા કાર એસેસરીઝમાં કામ કરે છે. દુકાનેથી નાસ્તો કરી રાત્રીના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છ
વાહન પાર્કિંગના ડખ્ખામાં દંપતી પર પથ્થરમારો
શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા કૈલાશ પાર્ક વિસ્તારમાં ગઈકાલે વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આ ઝઘડામાં કૌટુંબિક સભ્યોએ દંપતી પર પથ્થર વડે હુમલો કરી માર મારતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કૈલાશ પાર્કમાં રહેતા અને ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા શાહિદભાઈ અબ્દુલભાઈ બાંભણિયા (ઉં.વ. ૩૬) ગઈકાલે સવારે ૧૧૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા, ત્યારે વાહન પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં કૌટુંબિક ભાઈઓ ફૈઝાન, ઈબ્રાહીમ તથા જીન્નતબેન વગેરેએ એકસંપ થઈ શાહિદભાઈ સાથે ઝઘડો કરી પથ્થર વડે હુમલો કર્યો હતો. બીજી તરફ, શાહિદભાઈના પત્ની સાઈસાબેન બાંભણિયા (ઉં.વ. ૩૫) સવારે ૧૧ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પણ આ આરોપીઓએ ઝઘડો કરી તેઓને પણ પથ્થર વડે માર માર્યો હતો.
ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર શાહિદભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

