માનસિક બીમારીથી કંટાળી ચમનભાઈ પરમારે અંતિમ પગલું ભર્યું; ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Rajkot તા.૬ઃ
વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા ચમનભાઈ શિવાભાઈ પરમાર (ઉં ૬૦) ગત તા. ૪ જૂનના રોજ વાંકાનેર વિસીપરા વિસ્તારમાં ગોડાઉન રોડ પર રહેતા તેમના ભત્રીજા જનકભાઈના ઘરે આંટો મારવા આવ્યા હતા. લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા ચમનભાઈએ આ બીમારીથી કંટાળીને સવારના આશરે આઠ વાગ્યાની આસપાસ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યાં આજરોજ ચાલુ સારવાર દરમિયાન તેમણે દમ તોડતા ફરજ પરના તબીબોએ તેમને મરણ જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ચમનભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેઓ પાંચ ભાઈ અને ચાર બહેનોના પરિવારમાં ચોથા નંબરના ભાઈ હતા. આ બનાવને પગલે પરમાર પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે પ્રાથમિક નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

