Bhuj,તા.૨૭
કચ્છના નાના રણ તરીકે ઓળખાતા હળવદના ટીકર રણકાંઠા વિસ્તારમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણ સામે વનવિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અભયારણ્યની સીમા અને આસપાસ ગેરકાયદે મીઠાના પાળા અને પ્લોટો ઉભા કરનાર ૧૪ શખ્સોને વનવિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
હળવદ વન વિભાગના આર.એફ.ઓ. કે.એમ. કરમટાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસમાં સંબંધિત શખ્સોને ૭ દિવસની અંદર દબાણ દૂર કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. સાથે જ જો જમીન તેમની માલિકીની હોવાનો દાવો હોય તો તે અંગેના આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે, અન્યથા સરકારી જમીન પરથી સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા જણાવાયું છે.
વનવિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જેસીબી સહિતના સાધનો સાથે કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લુપ્ત થતી પ્રજાતિ એવા રક્ષિત ઘુડખરનાં સંરક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અભયારણ્યની બોર્ડર કે નજીકની જમીન પર થતાં અતિક્રમણને કારણે વન્યજીવોના અસ્તિત્વ સામે ગંભીર જોખમ ઊભું થતું હોવાની ચિંતા વનવિભાગે વ્યક્ત કરી છે.

