Krishna Mukherjeeનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો
Mumbai, તા.૨૩
બોલિવૂડ અદાકારા રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર Krishna Mukherjeeનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે પરિવારે એક નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. જાણવા મળ્યા મુજબ, કૃષ્ણા મુખર્જીએ મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.કૃષ્ણા મુખર્જીના પરિવારે નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ તેમના માટે અત્યંત મુશ્કેલ સમય છે. પરિવારે લોકોને આ દુઃખની ઘડીમાં તેમની પ્રાઈવસી જાળવી રાખવા માટે અપીલ કરી છે.
તેની સાથે જ કૃષ્ણા મુખર્જી પ્રત્યે દર્શાવેલા પ્રેમ, પ્રાર્થનાઓ અને સહાનુભૂતિ બદલ સૌનો આભાર માન્યો છે. રાણી મુખર્જી તેમની માતાની ખુબ જ નજીક હતી અને અનેક પ્રસંગોએ તેમણે પોતાના સંબંધો વિશે ખુલ્લીને વાતો કરી હતી. રાણી માટે તેમની માતા માત્ર પરિવારનો હિસ્સો જ નહીં, પરંતુ તેમના જીવન અને એક્ટિંગ કરિયરમાં એક મોટી પ્રેરણા હતા.રાણી મુખર્જીની ફિલ્મ ‘મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં તેમણે એક બંગાળી માતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના બાળકોને પાછા મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ રોલ નિભાવતી વખતે રાણીએ વાસ્તવિક ઘટનાઓ સંબંધિત ઘણી બાબતો સમજી હતી, પરંતુ સ્ક્રીન પર પાત્ર ભજવવામાં તેમની પોતાની માતાનો પ્રભાવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. ૨૦૨૩માં ફિલ્મના પ્રમોશન દરમિયાન રાણીએ જણાવ્યું હતું કે રોલ માટે તેમણે વાસ્તવિક કેસની વિગતો તો જોઈ હતી, પરંતુ તેઓ પાત્રમાં પોતાનો દ્રષ્ટિકોણ પણ ઉમેરવા માંગતા હતા.
તેમણે કહ્યું હતું કે આ રોલ ભજવવા માટે તેમની માતા તરફથી મોટી પ્રેરણા મળી હતી.પોતાની માતાને યાદ કરતા રાણીએ જણાવ્યું હતું કે કૃષ્ણા મુખર્જી તેમના માટે બંગાળી સંસ્કૃતિનું સૌથી મોટું ઉદાહરણ હતા. ઘરમાં બાળકોને પોતાના હાથે ખાવાનું ખવડાવવાથી લઈને માથા પર ટીકો લગાવવા સુધીની માતાની નાની-નાની આદતોએ રાણીને રોલ સમજવામાં મદદ કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે આ ભૂમિકા માટે તેમણે પોતાની માતા પાસેથી શક્તિ અને પ્રેરણા મેળવી હતી. રાણીના જણાવ્યા મુજબ, કૃષ્ણા મુખર્જી તે તમામ લોકોમાં સૌથી વધુ બંગાળી હતા જેમને તેઓ ઓળખતા હતા. આ જ કારણ હતું કે ‘મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં એક માતાની લાગણીઓ અને તેના સંઘર્ષને સમજવામાં તેમને પોતાના અંગત અનુભવોથી પણ મદદ મળી હતી.કૃષ્ણા મુખર્જીનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો.
તેઓ પોતે પણ એક પૂર્વ પ્લેબેક સિંગર હતા. તેમણે સંગીત ક્ષેત્રે કામ કર્યું હતું અને આ જ કારણે રાણીનું બાળપણ પણ સિનેમા અને સંગીતથી ભરેલા વાતાવરણમાં વીત્યું હતું. કૃષ્ણા મુખર્જીના લગ્ન ફિલ્મમેકર રામ મુખર્જી સાથે થયા હતા. રામ મુખર્જી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા હતા અને તેઓ ફિલ્માલય સ્ટુડિયોઝના સહ-સંસ્થાપકોમાંથી એક હતા. વર્ષ ૨૦૧૭માં તેમનું નિધન થયું હતું.રાણી મુખર્જીએ પોતાની કારકિર્દીમાં અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવ્યા છે, પરંતુ તેમના અંગત જીવનમાં માતાની ભૂમિકા હંમેશા ખાસ રહી છે. કૃષ્ણા મુખર્જીએ દીકરીની એક્ટિંગ સફરને નજીકથી જોઈ હતી અને પોતાના અનુભવોથી તેને સતત પ્રેરણા આપતા રહ્યા હતા.

