હવે માલ પરત જોતો હોય તો ૫૦ ટકા રકમ ટ્રાન્સફર કરો કહી ધમકી પણ આપી
Rajkot,તા,02
શહેરના સંત કબીર રોડ પર ઇમિટેશનની દુકાન ધરાવતા વેપારી પાસેથી ભગવતીપરાનો એક શખસ પેકિંગ કરવાના બહાને રૂપિયા 62,000નો માલ લઈ ગયો હતો. બાદમાં માલ પરત આપવાના બદલે માલની કિંમતના 50 ટકા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહી વેપારીને માલ વેચી નાખવાની ધમકી આપી હતી. માલ પરત ન મળતા અંતે વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે બી ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૈયા મેઇન રોડ પર મલ્હાર કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર એ-203 માં રહેતા નિતીન વિરજીભાઈ ભીમાણીએ ભગવતીપરામાં રાજલક્ષ્મી મેઇન રોડ પર બદ્રીપાર્કમાં રહેતા નિકુલ ભરતભાઈ ચાંડેગરા સામે ફરિયાદ નોંધાવી હતી.
ઇમિટેશનના દાગીના પેકિંગ કરવા માટે તેઓ કારીગરોને ઘરે પણ માલ આપતા હોય છે.
ગત તારીખ 28-05-2026ના રોજ બપોરના સમયે આરોપી નિકુલ વેપારીની દુકાને આવ્યો હતો અને પોતે ઇમિટેશનના માલનું પેકિંગ કરવાનું કામ કરતો હોવાનું જણાવી કામ માંગ્યું હતું. આથી વેપારીએ વિશ્વાસ રાખીને નિકુલને રૂપિયા 62,000ની કિંમતનો માલ પેકિંગ કરવા માટે આપ્યો હતો અને બીજા દિવસે માલ તૈયાર કરીને આપી જવાનું કહ્યું હતું. નિકુલે વેપારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને હવે મને ફોન કરતો નહીં, નહીંતર તારો માલ પરત નહીં મળે તેવી ધમકી આપી હતી. બીજા દિવસે સવારે 11:00 વાગ્યે આરોપી નિકુલે સામેથી વેપારીને ફોન કર્યો અને ધમકાવતા કહ્યું કે, તમારા માલની જેટલી કિંમત થાય છે તેના 50 ટકા રૂપિયા મને ઓનલાઈન ટ્રાન્સફર કરો, તો જ તમારો માલ પરત આપીશ, નહીંતર માલ મળશે નહીં.આમ, માલ પણ ઓળવી જઈ અને ઉપરથી પૈસા પડાવવાની ધમકી અપાતા અંતે વેપારીએ ફરિયાદ નોધાવી હતી.

