New Delhi, તા.26
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ ગુરૂવારે કહ્યું હતું કે જો કાચા તેલ (ક્રુડ ઓઈલ)ની કિંમતો લાંબા સમય સુધી સ્થિર રહે છે તો સરકાર એર લાઈન્સના સરચાર્જ અને વધેલા ભાડાની સમીક્ષા કરવા એટલે કે ઘટાડવાનું કહી શકે છે.
નાયડૂએ જણાવ્યું હતું કે, સરકાર વિમાન ઈંધણની કિંમતો પર તિક્ષ્ણ નજર રાખી રહી છે અને એર લાઈન્સ સાથે આ બારામાં વાત કરી રહી છે કે શું હાલમાં જ ક્રુડ ઓઈલની કિંમતમાં આવેલો ઘટાડો લાંબા સમય સુધી ટકી રહેશે?
મંત્રીએ કહ્યું હતું કે- કિંમતો નીચે આવી રહી છે, પરંતુ અમારે એ જોવાનું રહેશે કે શું આ ઘટાડો ખરેખર લાંબા સમય માટે છે કે પછી અચાનક આવેલો ઘટાડો છે, અમે આ મુદે એર લાઈન્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.
મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિના એર લાઈન્સ માટે ખુબજ મહત્વના રહ્યા છે એકવાર જયારે અમને વિશ્વાસ બેસી જશે કે કિંમતોમાં સ્થિરતા જળવાઈ રહેશે તો અમે એર લાઈન્સ સાથે વાત કરશું અને હાલમાં વસૂલવામાં આવી રહેલા સરચાર્જ કે વધારાને ભાડાને ઘટડવાની દિશામાં કામ કરશું.
હાલમાં કેન્દ્ર સરકારે વૈશ્વિક કાચા તેલની કિંમતોના આધારે દર 15 દિવસે વિમાન ઈંધણ-એટીએફના ભાવોની સમીક્ષા કરે છે. આ ઉપરાંત અમેરિકા-ઈરાન યુધ્ધ જેવા સંકટના સમયે સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું એક પ્રાઈઝ સ્ટેબિલાઈઝેશન ફંડ પણ બનાવ્યું છે.

