બેકાર દોહિત્રએ વૃદ્ધાની હત્યા કરી ‘આત્મહત્યા’નું નાટક રચ્યુંઃ બીજી ઘટનામાં શાંતિભવનમાં મિત્રએ જ મિત્રને પતાવી દીધો
Surat, તા.૯
સુરત શહેરના પુણા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં હત્યાની બે સનસનાટીભરી ઘટનાઓ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ કિસ્સામાં પર્વત પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા લીલાબેન ચંદુભાઈ ચૌધરીની તેમના જ સગા દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલે કરપીણ હત્યા કરી નાખી હતી. હર્ષ લાંબા સમયથી બેકાર હોવાથી નાની તેને અવારનવાર કામધંધો કરવા અને સુધરી જવા બાબતે શિખામણની ટકોર કરતા હતા, જેની અદાવત રાખી રસોડાના ચપ્પુ વડે વૃદ્ધાનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, જે નાનીએ માતાની ગેરહાજરીમાં છેલ્લા ૧૦ વર્ષથી હર્ષ અને તેની બહેનને ઉછેરીને મોટા કર્યા હતા, તે જ નાનીની હત્યા કર્યા બાદ પાપી દોહિત્રએ પોલીસ અને પાડોશીઓ સમક્ષ નાનીએ આત્મહત્યા કરી હોવાનું કહી મગરમચ્છના આંસુ સાર્યા હતા. જોકે, પુણા પી.આઈ. વિક્રમ દેસાઈ અને તેમની ટીમે એફ.એસ.એલ. તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરતા હર્ષનું જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું અને બે કલાકની આકરી પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હત્યાની બીજી ઘટના પુણાના શાંતિ ભવન સ્થિત એક કારખાનામાં બની હતી, જ્યાં પશ્ચિમ બંગાળના બે મિત્રો વચ્ચેની સામાન્ય મશ્કરી લોહિયાળ સાબિત થઈ હતી. વતનની કોઈ યુવતીને મેસેજ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા મુસા સલામભાઈ શેખ નામના શખ્સે તેના જ મિત્ર ચાંદ સાલેહાર પર કાતર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પુણા પોલીસ મથકની હદમાં એક જ દિવસમાં બનેલી આ બેવડી હત્યાની ઘટનાઓએ સુરત પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

