Gandhinagar તા.4
આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના લક્ષ્ય સાથે સજ્જ છે, તેમ મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું. મુખ્ય સચિવએ રાજ્યમાં ચોમાસાના આગમનની સંભાવનાને ધ્યાને રાખીને તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી.
તેમણે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી ચીજ-વસ્તુઓ, દવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. ચોમાસાના આગમન પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના પણ આપી હતી.
મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચોમાસા દરમિયાન રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ રહે. રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે સંદર્ભે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ-રસ્તા અને ગટરના કામો ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવરજવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.
પ્રથમ વરસાદ અને વાવાઝોડા દરમિયાન ઝાડ પડવાની ઘટનાઓ રોકવા માટે વન વિભાગે સ્થાનિક તંત્ર સાથે મળીને અત્યારથી જ વૃક્ષોનું ટ્રિમિંગ કરી લેવું, જેથી ટ્રાફિક જામ અને જાનહાનિ ટાળી શકાય. સરદાર સરોવર અને ઉકાઈ સહિતના મોટા ડેમોમાં પાણીની આવક અને સ્થિતિ પર પર નજર રાખવા મુખ્ય સચિવ સૂચના આપી હતી.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 14 અને SDRFની 22 ટીમો તહેનાત કરવામાં આવશે.
આ તમામ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી સજ્જ હશે. સ્ટેટ મોન્સુન ડિઝાસ્ટર પ્લાન મુજબ દરેક વિભાગના સંબંધિત અધિકારીઓએ જિલ્લા સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે.

