Gandhinagar,તા.16
ઈરાન યુદ્ધના પગલે ક્રુડતેલમાં ભાવવધારા તથા એલપીજી વિ.ની પણ પુરવઠાની તંગ હોવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઈંધણની કરકસર કરવા કરેલી અપીલના પગલે દેશભરમાં હવે વર્ક ફ્રોમ હોમ સહિતની થઈ રહેલી તૈયારી વચ્ચે હવે ગુજરાત સરકારે પણ રાજયના ખાનગી કચેરીઓ, કોર્પોરેટ ગૃહો ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની શકયતા તપાસવા આદેશ આપ્યા છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજયના અનેક કોર્પોરેટ ગૃહો, ખાનગી કચેરીઓ આવેલી છે. જેમાં લાખો કર્મચારીઓ કામકાજ માટે રોજ પોતાના ખાનગી વાહનોથી અવરજવર કરે છે.
જેમાં ઈંધણનો મોટો વપરાશ થાય છે. આ ઉપરાંત રાજય સરકાર તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પણ કચેરીઓમાં લાખો કર્મચારી કામકાજ કરે છે. જેમાં પણ ઈંધણનો વપરાશ કરે છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કેબીનેટમાં આ અંગે વિવિધ મંત્રીઓ સાથે વ્યાપકપણે ચર્ચા કરી હતી.
શ્રી પટેલ આ અંગે ખાનગી કંપનીઓ સાથે ચર્ચા કરવાનો સંકેત આપ્યો હતો તો તમામ મંત્રીઓને તેમના વિભાગોમાં વર્ક ફ્રોમ હોમની શકયતા ચકાસવા આદેશ આપ્યા છે અને આ અંગે સરકાર ટુંક સમયમાં જ નિર્ણય લેશે.
બીજી તરફ મુખ્યમંત્રીએ સરકારમાં તમામ ખાતાઓની બેઠકો-મીટીંગોમાં શકય હોય ત્યાં વર્ચ્યુઅલ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી બેઠકો યોજી સરકારી વાહનોનો ઉપયોગ શકય તેટલો ઘટાડવા આદેશ આપ્યા છે તથા કર્મચારીઓને બિનજરૂરી રૂબરૂ બોલાવવા નહી તે પણ સરળપણે જણાવ્યુ છે.
શ્રી ભુપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓને લોકાર્પણ-ખાતમર્હુત જેવા કાર્યક્રમોમાં હાજરી આપતા સમયે ગાડીઓના કાફલા નહી લઈ જવા કડક સૂચના આપી છે. ઉપરાંત રાજયના અધિકારીઓ-કર્મચારીઓને કારપુલીંગની સીસ્ટમ અપનાવવા જણાવ્યુ છે.
શ્રી ભુપેન્દ્ર પટેલ ખુદના કાફલાને ઘટાડશે. ફરી ત્રણ જ કારના કાફલા સાથે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાનો કાફલો ઘટાડયો છે અને મંત્રીઓએ પણ હવે ઈ-વાહનો અને કારપુલીંગ શરૂ કર્યુ છે.
ફરી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીનેજ કોન્વોયઃ તમામ મંત્રીઓ `એકલા’ ફરશે
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણનો જરૂર પુરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ 2 દિવસ પહેલાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજય સરકાર દ્વારા હવે માત્ર સીએમ અને ડે.સીએમને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે. જયારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજયપાલ પણ હવે પોતાની દરેક યાત્રા એસટી બસ અને ટ્રેનમાં ફરશે.
કોઈ સમારોહ વગર 300 નવી ST બસો કાલથી દોડશે
રાજકોટઃ ગુજરાત સરકારે હવે બિનજરૂરી સમારોહ નહી યોજવા નિર્ણય લીધો છે. જેમાં કાલથી એસટીની નવી 350 બસો વિવિધ વિસ્તારોમાં કોઈ લીલીઝંડી સમારોહ વગર જ દોડતી થઈ જશે.

