Ahmedabad,તા, 25
ગુજરાતનાં વિજ્ઞાનીઓએ તબીબી ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી શોધ કરી છે. IIT ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી અને NIPER અમદાવાદનાં સંશોધકોએ સાથે મળીને માછલીનાં કચરામાંથી એક ખાસ ’હાઈડ્રોજેલ’ તૈયાર કર્યું છે. આ હાઈડ્રોજેલ માનવ શરીરમાં થતાં ગંભીર રક્તસ્ત્રાવને 10 મિનિટથી પણ ઓછા સમયમાં અટકાવવાની ક્ષમતા ધરાવે છે અને કોષોને થતું નુકસાન રોકે છે.
સામાન્ય રીતે લોહી વહેતું અટકાવવા માટે વપરાતી સાદી પટ્ટી કે બેન્ડેજ કાઢતી વખતે નવી બનેલી નાજુક ત્વચા ખેંચાઈ જવાથી ફરીથી રક્તસ્ત્રાવ થવાનું જોખમ રહે છે. આ સમસ્યાનાં કાયમી ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ માછલીનાં પ્રોસેસિંગ ઉદ્યોગના નકામા કચરામાંથી DNA મેળવ્યું અને તેમાં ’સ્પર્મિડાઈન’ નામનો કુદરતી ઘટક ઉમેરીને એક અનોખી જેલ માળખું તૈયાર કર્યું, જે લોહીના પ્લેટલેટ્સ અને RBCsને જકડીને લોહી તરત ગંઠાવી દે છે.
પ્રયોગો દરમિયાન આ હાઈડ્રોજેલના અસાધારણ અને હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. આ જેલના ઉપયોગથી લોહીમાં બિનજરૂરી ગાંઠ પડવાની શક્યતામાં 86 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, તે ત્વચા પરનો સોજો અને કોષોનું નુકસાન અટકાવે છે. ઉંદર પર કરાયેલા પરીક્ષણમાં આ જેલ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 દિવસ સુધી સ્થિર રહ્યું અને ઘા પર સતત ચાર દિવસ સુધી જરૂરી ભેજ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું.
આ ટેકનોલોજીથી ઝડપી રિકવરી પણ શક્ય બની છે. માત્ર 6 ટકા DNA-સ્પર્મિડાઈન ફોર્મ્યુલેશનના ઉપયોગથી 3 દિવસમાં ઘાનો 33 ટકા ભાગ સાજો થઈ ગયો હતો, જે સામાન્ય સ્થિતિમાં માત્ર 10 ટકા જ થાય છે. તેમજ ઘા પર નવી નસો, નવી ત્વચા અને વાળના નવા મૂળ બનવાના સંકેત પણ મળ્યાં છે. ગુજરાતનાં વૈજ્ઞાનિકોની આ સ્વદેશી શોધ આગામી સમયમાં સર્જરી અને તબીબી સારવાર દરમિયાન થતાં લોહીના બગાડને અટકાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

