Palanpur,તા.૧૬
બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં કાળનો પંજો ફરી વળ્યો હોય તેમ લાગે છે. હાર્ટએટેક જાણે બનાસકાંઠાને ભરડો લીધો હોય તેમ માત્ર એક જ દિવસમાં ૪ વ્યક્તિના આકસ્મિક મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ભાભર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલા ૪ વ્યક્તિઓમાં ભાભરના ત્રણ જાણીતા વેપારીઓ અને એક શ્રમજીવીનો સમાવેશ થાય છે. વેપારી મંડળના સભ્યોના અચાનક નિધનથી સ્થાનિક બજારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે, તો બીજી તરફ શ્રમજીવી પરિવારના મોભીના જવાથી તે પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે ચાર-ચાર અર્થીઓ ઉઠતા ભાભરની ગલીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. લોકોમાં એક જ ચર્ચા છે કે, હજુ ગઈકાલ સુધી સ્વસ્થ દેખાતા આ લોકો આજે આપણી વચ્ચે નથી રહ્યા.
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આ આંકડો સતત વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હૃદય રોગ માત્ર મોટી ઉંમરના લોકોને જ થાય છે, પરંતુ હવે યુવાનો અને કામકાજમાં વ્યસ્ત રહેતા મધ્યમ વયના લોકો પણ આનો શિકાર બની રહ્યા છે. ભાભરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે હૃદય રોગ હવે કોઈ પણ સમયે અને કોઈ પણ વયે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
તબીબોના મતે, બદલાતી જીવનશૈલી, માનસિક તણાવ અને ખોરાકમાં અનિયમિતતા આ માટે જવાબદાર હોઈ શકે છે. ભાભર પંથકમાં સર્જાયેલી આ ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પણ નાના લક્ષણોને અવગણવામાં ન આવે તે માટે સામાજિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. ભાભર વિસ્તારમાં સર્જાયેલી આ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે અને હૃદયની સ્થિતિ પ્રત્યે ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે.

