Surat,તા.01
સુરતમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને લઈને પાલિકાની કાર્યવાહી હવે માત્ર કચરો ઉઠાવવા કે હોટફિક્સ યુનિટોને નોટિસ આપવા પૂરતી રહી નથી, પરંતુ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં આવ્યું ક્યાંથી અને કોની સપ્લાય ચેઇન મારફતે હોટફિક્સ યુનિટો સુધી પહોંચ્યું? તેવો મોટો સવાલ ઊભો થયો છે. પાલિકાએ નાના હોટફિક્સ યુનિટોને નોટિસ આપવાની કાર્યવાહી કરી છે, જ્યારે તેમને હોટફિક્સની શીટ પહોંચાડતા હોલસેલ વેપારીઓને ટાર્ગેટ કરીને સીલિંગની કામગીરી શરૂ કરી છે.
પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે હોટફિક્સમાં વપરાતું પ્લાસ્ટિક પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. પ્રાથમિક તપાસમાં પ્લાસ્ટિકની જાડાઈ આશરે 22 માઇક્રોન હોવાનું સામે આવ્યું છે અને તેના પર ગમ લગાવ્યા બાદ તેની જાડાઈ આશરે 33 માઇક્રોન સુધી પહોંચે છે. જોકે ગમ જ્વલનશીલ હોવાથી આ સામગ્રીનો કચરો આગની દૃષ્ટિએ પણ જોખમી બની જાય છે. હોટફિક્સના કચરામાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા હોવાથી આ સમગ્ર મામલો હવે માત્ર પ્લાસ્ટિક પ્રતિબંધ પૂરતો નહીં પરંતુ શહેરની આગ સલામતી અને ઔદ્યોગિક કચરાના નિકાલ સાથે પણ જોડાઈ રહ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે જો આ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે તો આટલા વર્ષોથી તે સુરત સુધી પહોંચતું કેવી રીતે રહ્યું? કોની પાસેથી માલ આવતો હતો? કયા વેપારીઓ તેને ખરીદતા હતા? હોટફિક્સ શીટ તરીકે જ તેની ખરીદી-વેચાણ થતી હતી કે અન્ય કોઈ નામ હેઠળ આ પ્લાસ્ટિક શહેરમાં પ્રવેશતું હતું? અને સૌથી મહત્ત્વનું, આ સામગ્રી આયાત કરવામાં આવી હતી કે દેશની અંદરથી સપ્લાય થતી હતી? આવા અનેક સવાલોના જવાબ હવે તપાસમાં શોધવામાં આવી રહ્યા છે.
પાલિકા દ્વારા હાલ હોટફિક્સ શીટના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેની ચકાસણી કરાવવામાં આવી રહી છે. તપાસમાં પ્લાસ્ટિકની ચોક્કસ રચના, જાડાઈ અને તે કયા ધોરણ હેઠળ આવે છે તે સ્પષ્ટ થશે. સાથે જ હોટફિક્સ શીટના નામે આ સામગ્રીની આયાત થતી હતી કે અન્ય કોઈ પ્રોડક્ટના નામે તેની એન્ટ્રી કરવામાં આવતી હતી, તેની પણ તપાસ કરવામાં આવશે. જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ હોટફિક્સ ઉદ્યોગમાં લાંબા સમયથી થતો હતો તો માત્ર નાના યુનિટોને નોટિસ આપવાથી પ્રશ્નનો અંત આવતો નથી. મૂળ સ્ત્રોત સુધી પહોંચવું જરૂરી છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન, આયાત, શહેરમાં પ્રવેશ, હોલસેલ સંગ્રહ અને ત્યારબાદ નાના હોટફિક્સ યુનિટ સુધી પહોંચતી સમગ્ર સપ્લાય ચેઇન તપાસવામાં આવે તો જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો શહેરમાં પ્રવેશ કઈ રીતે થયો તેનું સાચું ચિત્ર બહાર આવી શકે.
હવે તપાસનો મુદ્દો માત્ર એટલો નથી કે હોટફિક્સ યુનિટ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરે છે કે નહીં. મૂળ સવાલ એ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં પ્રવેશ્યું કેવી રીતે, કોના માધ્યમથી આવ્યું અને બજારમાં કયા નામે ફરતું રહ્યું? આ સવાલોના જવાબ બહાર આવે તો હોટફિક્સ કચરાની સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો રસ્તો ખુલશે.
ડોર-ટુ-ડોરમાં ઘરેલું કચરો, હોટફિક્સનો કચરો ઔદ્યોગિક
હોટફિક્સના કચરાના નિકાલને લઈને સૌથી મોટો સવાલ એ છે કે આ કચરો ઉઠાવશે કોણ? પાલિકાની ડોર-ટુ-ડોર વ્યવસ્થા ઘરેલું કચરો ઉઠાવવા માટે છે, જ્યારે હોટફિક્સ યુનિટમાંથી નીકળતો કચરો ઔદ્યોગિક વેસ્ટ છે. તેથી તેનો નિકાલ ડોર-ટુ-ડોર વ્યવસ્થા હેઠળ થઈ શકે નહીં. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ કચરો જાહેર સ્થળોએ ઠલવાતો હોવાની ફરિયાદો વચ્ચે હવે પાલિકાએ હોટફિક્સના ઔદ્યોગિક કચરાના નિકાલ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી કે જવાબદારી નક્કી કરવી જરૂરી બની છે.

