Veraval તા.2
ગીરગઢડા તાલુકાના થોરડી ગામમાં આવેલી જય મુરલીધર ગૌશાળા ટ્રસ્ટમાં ગત રાત્રિના 11 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગૌશાળામાં રહેલી 15 ગાયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ લાખો રૂપિયાનો ઘાસચારો અને પતરાનો શેડ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ ગ્રામજનો અને ગૌશાળાના પ્રમુખ જીગ્નેશભાઈ તેમજ સેવાભાવી યુવાનો, જેમાં વિજયભાઈ વોરા સહિત કાર્યકર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સૌપ્રથમ તેમણે ગાયોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ગ્રામજનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.આગને કારણે 3 હજારથી વધુ જુવારના પૂળા અને મગફળીનો પાલો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.આ ઉપરાંત, ગૌશાળાનો પતરાનો શેડ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગૌશાળાની આસપાસ બેસતા અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોઈ શકે છે. આ ઘટનાને પગલે થોરડી ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે.

