ડી સ્ટાફ પાસે ૭ મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં
Rajkot તા.૨૩ઃ
રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા તમામ પોલીસ વડા પાસેથી ડી સ્ટાફનો એક ડિટેઇલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગવામાં આવી છે.ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. જેના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર કરી શકાય.
રાજકોટ રેન્જIG નિર્લિપ્ત રાય પોતાની કાર્યશૈલીથી આખા ગુજરાતમાં જાણીતા છે. કાયદામાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી અને તેમાં પણ ખાસ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જો પોતાના કામમાં બાંધછોડ કરી કાયદા વિરૂદ્ધ કામ કરે તો તેમની સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરતા તેઓ ખચકાતાં નથી.
રેન્જ ઈંૠ તરીકે નિમણૂંક થયા બાદ આખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને પોલીસની કોઈ ભૂમિકા સામે આવે તો સસ્પેન્ડ કરવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે નિર્લિપ્ત રાય દ્વારા એક ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે અને રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લામાં પોલીસની કામગીરી સારી રીતે થયા તે માટે અલગ અલગ ૭ મુદ્દાની માહિતી માંગવામાં આવી છે.
ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીનું નામ, તેમનું મૂળ વતન, હાલનું સરનામું, કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે, કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, જો હોય તો તેમનું નામ અને તેમની સાથે શું સંબંધ છે તે અંગેની માહિતી માંગી છે.
આ માહિતી તૈયાર કરી રેન્જ ઈંૠને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જિલ્લા પોલીસ સ્ટેશનથી આવેલી માહિતીના આધારે તપાસ કરી ડી સ્ટાફની અંદર સ્વચ્છ છબી ધરાવતા અને લાયક પોલીસ અધિકારી-કર્મચારી જ ફરજ બજાવે અને તેમની કાર્યપદ્ધતિ કઈઇ માફક જવાબદારી પૂર્વક બનાવવા માટે નિર્દેશ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના કેટલાક બનાવો પોલીસ અને તેમાં પણ ડી સ્ટાફના માણસોની જવાબદારી સામે આવી હતી. કેટલાક કિસ્સામાં તો પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની કાર્યપદ્ધતિમાં એક મોટો સુધારો લાવવા આ એક માહિતી સભર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસ પ્રજાનો સાચો રક્ષક સાબિત થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

