Gandhinagar,તા.13
ગુજરાતમાં ચોમાસાની વિચિત્ર પેટર્ન અને ક્લાઈમેટ ચેન્જની અસર જનસ્વાસ્થ્ય પર વ્યાપક રીતે જોવા મળી છે. ચાલુ વર્ષે ૭ માસમાં ગત જૂલાઈ માસમાં પેટના સર્વાધિક ઈમરજન્સી કેસો ૨૨,૧૭૩ નોંધાયા છે જ્યારે હૃદયરોગનું પ્રમાણ શિયાળો પૂરો થયા બાદ ઘટતું હોય છે પરંતુ, આ વખતે જૂલાઈમાં તેમાં પણ વધારો જોવા મળ્યો છે અને આ માસમાં ૯૦૩૬ દર્દીઓ નોંધાયા હતા.ચિંતાજનક બાબત એ છે કે આ બન્ને રોગોમાં સતત તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષ ઈ.૨૦૨૬ના ૭ માસમાં ૧.૩૭ લાખ લોકોને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા ઈમરજન્સી ઉભી થતા ૧૦૮ વાન દ્વારા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઈ.સ.૨૦૨૩ની સાપેક્ષે ગત વર્ષ ઈ.સ.૨૦૨૫માં પેટના ઈમરજન્સી કેસો ૩૨ ટકાના વધારા સાથે ૨.૧૫ લાખને પાર થયા હતા. ચાલુ વર્ષેમાં પણ આ કેસો સતત વધી રહ્યા છે.
બીજી તરફ, જીવલેણ નિવડતા હૃદયરોગોનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાજનક રીતે વધ્યું છે. ઈ.૨૦૨૩ની સાપેક્ષે ગત વર્ષ ૨૦૨૫માં હૃદયરોગોના માત્ર ૧૦૮માં નોંધાયેલા ઈમરજન્સી કેસો ૩૬ ટકા વધીને ૯૮,૫૮૨ નોંધાયા હતા અને ચાલુ વર્ષે સાત માસમાં ૬૨,૨૬૨ કેસો નોંધાયા છે.
જાન્યુઆરીથી જૂલાઈ-૨૬ દરમિયાન ગુજરાતમાં પેટના ઈમરજન્સીના ૧.૩૭ લાખ કેસો પૈકી ૩૬,૭૩૩ અને હૃદયરોગના ૬૨ હજાર કેસો પૈકી ૧૬ હજાર કેસો માત્ર અમદાવાદમાં નોંધાયા હતા.અર્થાત્ ૧૦૮માં દર ૪ કેસો પૈકી ૧ કેસ, આશરે ૨૫ ટકા માત્ર અમદાવાદમાં નોંધાય છે.
અમદાવાદ પછી, પેટના રોગો સૌથી વધુ સુરતમાં ૧૪૪૫૨ ઉપરાંત રાજકોટ, વડોદરા તેમજ વલસાડ અને કચ્છ જિલ્લા કે જ્યાં વસ્તી ઓછી છતાં પણ ત્યાં ગત ૭ માસમાં પેટના ઈમરજન્સી કેસો ૫ હજારને પાર થયા છે.
હૃદયરોગના કેસો સામાન્ય રીતે શિયાળાના જાન્યુઆરી,ફેબુ્રઆરી માસમાં ઠંડી ઋતુમાં વધારે હોય છે પરંતુ, હવે ગત જૂલાઈ અને તે પહેલા મે માસમાં પણ કેસો ૯ હજારને પાર થયા હતા.

