New Delhi,તા.29
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં રહેતા સ્થાનિક ‘નાહ’ (Nah) આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાસે ભારતીય જમીન પર મોટા પાયે ગેરકાયદેસર કબ્જો જમાવી રહી છે. આદિવાસી સંગઠન ‘નાહ વેલ્ફેર સોસાયટી’ એ આ મામલે ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પ્રશાસનને એક સત્તાવાર અરજી સોંપ્યું છે.
છ વર્ષમાં પૂર્વજોની જમીન અને ખેતરો હડપી લીધા
અહેવાલ મુજબ, આદિવાસી સંગઠને આરોપ લગાવ્યો છે કે છેલ્લા 6 વર્ષમાં ચીની સેનાએ તેમના પૂર્વજોની ખેતીલાયક જમીન અને પશુધનને ચરાવવા માટેની ગોચર ભૂમિના એક ખૂબ જ મોટા હિસ્સા પર ગેરકાયદે કબ્જો કરી લીધો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચીન છેલ્લા 10-15 વર્ષથી આ વિસ્તારમાં ધીમે-ધીમે પગપેસારો કરી રહ્યું હતું, પરંતુ વર્ષ 2020 માં ગલવાન ખીણની હિંસક ઝડપ બાદથી ચીની સૈનિકોની આક્રમકતા અને આગળ વધવાની ઝડપ ખૂબ જ વધી ગઈ છે.
આ પાંચ વ્યૂહાત્મક વિસ્તારો પર ચીનનો કબ્જો હોવાનો દાવો
સમુદાયે અપર સુબનસિરીના ‘તાક્સિંગ’ ક્ષેત્ર હેઠળ આવતી પાંચ એવી જગ્યાઓની યાદી વહીવટીતંત્રને સોંપી છે, જ્યાં 2020 સુધી ભારતનું સંપૂર્ણ નિયંત્રણ હતું પરંતુ હવે ત્યાં ચીનની શંકાસ્પદ ગતિવિધિઓ વધી ગઈ છે.
ઓયિંગ: વ્યુહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર.
પોત્રંગ: આ એક પવિત્ર તળાવ છે, જેને સ્થાનિક લોકો પવિત્ર તીર્થસ્થળ માને છે.
તિન્દિનતાંગ: તાક્સિંગ હેડક્વાર્ટરની બિલકુલ નજીક આવેલો વિસ્તાર.
પનિઆર (ચુઝાર્ટા ક્ષેત્ર): સ્થાનિક આદિવાસીઓનો પરંપરાગત વિસ્તાર.
મરપન (મર્નાફે): જ્યાં ચીની સૈનિકોની સતત અવરજવર જોવા મળી છે.
ધીરે ધીરે માતૃભૂમિ ગુમાવી રહ્યા છીએ, ચીને પાકા રસ્તા બનાવ્યા
નાહ વેલ્ફેર સોસાયટીના અધ્યક્ષ કેરુ ચાદરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અમને અમારી ભારતીય સેના પર પૂરો ભરોસો છે અને તેઓ વર્ષોથી અમારી જમીનની રક્ષા કરી રહ્યા છે, પરંતુ ચીનની પીએલએ (PLA) જે વીજળીની ઝડપે આગળ વધી રહી છે તે જોતાં આ પ્રયાસો પૂરતા સાબિત નથી થઈ રહ્યા. અમે દરરોજ ઇંચ-દર-ઇંચ અમારી માતૃભૂમિ ચીનના હાથે ગુમાવી રહ્યા છીએ. ચીની સેનાએ ભારતીય સરહદની અંદર પાકા રસ્તાઓ અને પોતાના મિલિટ્રી કેમ્પ પણ બનાવી લીધા છે.”
ધારાસભ્યએ પણ મામલો ઉઠાવ્યો
આ ગંભીર મુદ્દે નાચો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નાકાપ નાલોએ પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ સીધો દેશની સુરક્ષા અને સંપ્રભુતા સાથે જોડાયેલો મામલો છે, તેથી જિલ્લા પ્રશાસન અને સેનાએ આ આરોપોની સત્તાવાર પુષ્ટિ કરવી જોઈએ. જો કે, આ અહેવાલ પર હજી સુધી અરુણાચલ પ્રદેશ સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ચીન અરૂણાચલને પોતાનો હિસ્સો ગણાવે છે
ઉલ્લેખનીય છે કે ચીન હંમેશા અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવાનો ઇનકાર કરીને તેને ‘ઝાગનાન’ (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે અને અવારનવાર નકશા બદલવા કે સ્ટેપલ વિઝા આપવા જેવી હરકતો કરતું રહે છે. જો કે ભારતે દર વખતે મક્કમતાથી સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે.

