Washington,તા.1
અહીં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતીય મૂળના એક યુવક અને પાયલોટના મૃત્યુ નિપજયા હતા, જયારે નવ વિવાહિતા પત્ની ઘાયલ થઈ હતી. આ દુર્ઘટના યુવકના લગ્ન બાદ કેટલાક કલાકો બાદ સર્જાઈ હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ડેલ્ટા એરલાઈન્સમાં પાયલોટ અને એટલાન્ટા નિવાસી 25 વર્ષીય ડેવ ફિજી ગત શુક્રવારે ડોસન કાઉન્ટીના ડોસનવિલ પાસે પાંચ સીટ વાળા રોબિન્સન હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. પત્ની જેસ્ની ઘાયલ થઈ ગઈ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ છે.
રિપોર્ટ મુજબ ડેવના માતા-પિતા ફૈબા ફિજી અને જયોર્જ અનેક વર્ષો પહેલા કેરળના અર્નાકુલમ જિલ્લાથી અમેરિકા આવીને વસી ગયા છે. પિતાએ જણાવ્યું હતું કે નવ વિવાહિત યુગલે હેલિકોપ્ટરથી કાર્યક્રમ સ્થળેથી નીકળીને પીચટ્રીડીકાલ્બ એરપોર્ટ જવાનું હતું.
જોકે સમારોહના અંત સુધીમાં હવામાન ખરાબ થઈ ગયું હતું. રાતના 9-30 વાગ્યે સમારોહ પૂરો થયો, ત્યાર બાદ ધુમ્મસ અને વરસાદના કારણે દ્દશ્યતા ઘણી ઘટી ગઈ હતી. કોમર્શિયલ પાયલોટ ડેવ આવા હવામાનમાં ઉડાન માટે સહજ નહોતો તેમ છતાં ઉડાન ભરી અને ડોસનવિલના દક્ષિણ-પશ્ર્ચિમમાં ગાઢ જંગલ અને પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

