New Delhi,તા.25
ભારતીય મહિલા ટીમ એપ્રિલમાં પાંચ મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. BCCI એ આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ T20 શ્રેણી દ્વારા, ભારતીય મહિલા ટીમ જૂનમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ જીત્યો હતો.
અનુષ્કા શર્માને પહેલી વાર ભારતીય મહિલા T20 ટીમમાં સામેલ કરવામાં આવી છે. ઉમા છેત્રી અને કાશ્વી ગૌતમની પણ T20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. વૈષ્ણવી શર્મા, સ્નેહ રાણા, અને જી. કમલિની અને અમનજોત કૌરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. કમલિનીના સ્થાને ઉમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે તેના ઝડપી બોલિંગ વિભાગને મજબૂત બનાવ્યો છે.
તેઓએ અમનજોત કૌરની જગ્યાએ કાશ્વી ગૌતમનો સમાવેશ કર્યો છે. કાશ્વીએ ઓસ્ટ્રેલિયામાં ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.આ શ્રેણીમાં, ટીમ ઈન્ડિયાની સ્પિન બોલિંગ દીપ્તિ શર્મા, ચરાણી અને શ્રેયંકા પાટિલ સંભાળશે.T20 શ્રેણીની પહેલી મેચ 17 એપ્રિલે ડરબનમાં રમાશે. બીજી મેચ 19 એપ્રિલે તે જ સ્થળે રમાશે. ભારતીય મહિલા ટીમ ત્રીજી અને ચોથી T20 મેચ માટે જોહાનિસબર્ગ જશે. ત્રીજીT20 22 એપ્રિલે અને ચોથી T20 25 એપ્રિલે રમાશે.
શ્રેણીની અંતિમ મેચ 27 એપ્રિલે બેનોનીમાં રમાશે.દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચારણી, શ્રેયંકા પાટિલ, કાશ્વી ગૌતમ, ભારતી ફુલમાલી, ઉમા છેત્રી (વિકેટકીપર), અનુષ્કા શર્મા.

