શનિવારે વકીલોની પ્રતીક હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ રહેશે
Rajkot તા.૧ઃ
સૂચિત રેન્ટ એક્ટના કાયદામાં સરકારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સત્તાની જોગવાઇ સંદર્ભે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા તા. ૩ ઓક્ટોબરને શનિવારે એક દિવસની પ્રતીક હડતાલ પાડીને વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો છે. સૂચિત રેન્ટ એકટ બિલ ૨૦૨૬ના વિરોધમાં સમગ્ર રાજ્યભરમાં વકીલોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો કરી વકીલો દ્વારા ભારે વિરોધ પ્રગટ કરવામાં આવશે.
રાજકોટ બાર એસોસિએશને આ અંગે ઠરાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા રેન્ટ એકટ ૨૦૨૬માં કોર્ટની સતા મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી કલેક્ટરને આપવાની કરવામાં આવેલ જોગવાઈઓથી પક્ષકારો તથા વકીલોને ખુબજ તકલીફ પડે તેવા સંજોગો ઉપસ્થીત થાય તેમ હોય, આ જોગવાઈઓને કાયદામાંથી દુર કરવી જરૂરી છે, જેથી ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ની જોગવાઈઓનો વિરોધ દર્શાવવા તેમજ તેમા જરૂરી સુધારા કરવા માટે રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટોમાં એક દિવસની પ્રતીક હડતાલ તારીખ ૩/ ૧૦/ ૨૦૨૬ના શનીવારના રોજ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
શનિવારે અરજન્ટ કાર્યવાહી સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવ્યું છે. તેમજ કોઈપણ પક્ષકારને નુકશાન ન જાય તે હેતુથી પક્ષકારો તેમજ વકીલોની ગેરહાજરીમાં પક્ષકારોને નુકશાન થાય તેવા કોઈ હુકમો ન ફરમાવવા તેમજ કેસોમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટના ન્યાયધીશોને વિનંતી કરવામાં આવી હોવાનું રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નીલેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

