Mumbai, તા.૨૭
સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર તમિલ એક્શન થ્રિલર ‘Jailer-2’ સિનેમાઘરોમાં રિલીઝ થયાને ૧૧ દિવસ પૂર્ણ થઈ ગયા છે, છતાં દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ અકબંધ જોવા મળી રહ્યો છે. ૧૫ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મને દશેરાના તહેવાર ટાણે રજાઓનો પૂરો ફાયદો મળ્યો છે. તાજેતરમાં જ રજનીકાંત પોતાના પૌત્ર લિંગા સાથે આ ફિલ્મ જોવા થિયેટર પહોંચ્યા હતા. આ ફિલ્મે કમાણીમાં રિલીઝના ૧૧ દિવસની અંદર જ વિશ્વભરમાં રૂપિયા ૭૦૦ કરોડથી વધુનો આંકડો વટાવી લીધો છે.
કમાણી વિગતે વાત કરવામાં આવે તો, તારીખ ૨૪ ઓક્ટોબરની સરખામણીએ ૨૫ ઓક્ટોબરે ‘Jailer-2’ ના નેટ કલેક્શનમાં ૬.૪ ટકાનો વધારો નોંધાયો છે. ૨૪ ઓક્ટોબરે ફિલ્મે ૨૪.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાં તમિલમાંથી રૂપિયા ૧૭.૩૫ કરોડ, તેલુગુમાંથી રૂપિયા ૦૪.૫૦ કરોડ, હિન્દીમાંથી રૂપિયા ૩.૧૫ કરોડ અને કન્નડમાંથી રૂપિયા ૭૦ લાખનું કલેક્શન થયું હતું.જ્યારે ૧૧મા દિવસ એટલે કે રવિવારની વાત કરીએ તો, આ ફિલ્મે દેશભરમાં રૂપિયા ૨૫.૭૦ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂપિયા ૩૯૮.૭૦ કરોડ થઈ ગયું છે. ઓવરસીઝ માર્કેટની વાત કરીએ તો, ૧૧મા દિવસે ફિલ્મે વિદેશમાંથી રૂપિયા ૧૦ કરોડ કમાયા હતા, જેનાથી ગ્લોબલ ગ્રોસ કલેક્શન રૂપિયા ૭૧૦.૩૫ કરોડ સુધી પહોંચી ગયું છે.
ભારતમાં રૂપિયા ૩૯૮.૭૦ કરોડની કમાણી સાથે ‘જેલર ૨’ ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. જોકે, વર્લ્ડવાઇડ કલેક્શનના મામલે આ ફિલ્મ સૌથી આગળ નીકળી ગઈ છે. ભારતમાં તમિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનવા માટે તેણે રજનીકાંતની જ ફિલ્મ ‘૨.૦’ નો રેકોર્ડ તોડવો પડશે, જેનાથી ‘જેલર ૨’ હવે માત્ર રૂપિયા ૬.૩૦ કરોડ જ દૂર છે.નેલ્સન દિલીપકુમાર દ્વારા લિખિત અને નિર્દેશિત ‘જેલર ૨’ નુ નિર્માણ કલાનિધિ મારન દ્વારા ‘સન પિક્ચર્સ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૦૨૩માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જેલર’ની સિક્વલ છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, મિરના અને રીતુ મુખ્ય ભૂમિકામાં છે. આ ભાગમાં એસ.જે. સૂર્યા, મિથુન ચક્રવર્તી, સૂરજ વેંજારામૂડુ અને વિદ્યા બાલન પણ મહત્વના રોલમાં જોવા મળે છે, જ્યારે મોહનલાલ, ઋતિક રોશન, શિવા રાજકુમાર અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારોએ કેમિયો રોલ કર્યો છે.

