(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૩ઃ
મીઠાપુર રેલવે સ્ટેશન ખાતે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક પરિવાર સાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઓખાની દક્ષાબેન ભરતભાઈ વાઘેલાએ મીઠાપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ તેઓ તેમની એક વર્ષની પુત્રી શોભા અને પતિ ભરતભાઈ સાથે ઓખાથી દ્વારકા જવા ટ્રેનમાં બેઠા હતા.ફરિયાદ મુજબ, ટ્રેન રવાના થયાના આશરે દસેક મિનિટ બાદ લક્ષ્મીબેન કનુભાઈ, કોમલબેન કનુભાઈ, ભાવનાબેન અશોકભાઈ, ગીતાબેન વેલજીભાઈ, રીટાબેન રામભાઈ તથા સંજય નારસંગભાઈ કંકોડીયા સહિતના છ વ્યક્તિઓ એકસંપ કરીને તેમના કોચમાં ધસી આવ્યા હતા. અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદી મહિલા સાથે માથાકૂટ કરી તેમને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આક્ષેપ મુજબ આરોપીઓએ દક્ષાબેનના વાળ ખેંચી ઢીકા-પાટુ અને ગડદાનો માર માર્યો હતો. મીઠાપુર રેલવે સ્ટેશન આવતા તેમને જબરદસ્તી ટ્રેનમાંથી નીચે ઉતારી પ્લેટફોર્મ નંબર-૧ ઉપર પણ માર માર્યો હતો. વાળ ખેંચાવાથી માથામાં દુખાવો અને સોજો તથા ગરદનના પાછળના ભાગે ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાથના ભાગે પણ કરડી ખાધાની ઈજા થયાનો આક્ષેપ છે.
મારામારી દરમિયાન દક્ષાબેનની એક વર્ષની પુત્રી શોભાને માથામાં તથા ડાબા ગાલે ઈજા થઈ હતી. જ્યારે પત્ની અને પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પતિ ભરતભાઈને પણ મૂઢમાર મારવામાં આવ્યો હતો.
દરમિયાન દક્ષાબેનના છાતીના આગળના ભાગે રાખેલું મનીપર્સ ક્યાંક પડી ગયું હતું, જેમાં છૂટક રકમ તથા ટ્રેનની મુસાફરીની ટિકિટ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિવારજનોએ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ કોઈ મદદે આવ્યું ન હતું. બાદમાં ભરતભાઈએ રેલવે સ્ટેશન બહાર પોલીસની બોલેરો જોઈ પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારને બચાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોને ટાટા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.આ અંગે દક્ષાબેનની ફરિયાદના આધારે બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૧૯૦(૩) તથા અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ રતનભાઈ વિજાણંદભાઈ ભુવાને તપાસ સોંપવામાં આવી છે.

