(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮ઃ
ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા નજીક રાજકોટ-જામનગર હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને પુરઝડપે અને બેદરકારીપૂર્વક દોડી આવેલી કારના ચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે જામનગર તરફ નાસી છૂટ્યો હતો.આ અંગે મોડપર ગામે રહેતા જગદીશભાઇ ચનાભાઇ મકવાણાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ પરિવાર સાથે મોડપર ગામે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેમના સસરાના મોટાભાઇ હરજીભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉંમર આશરે ૬૯ વર્ષ, હાલ વડોદરા ખાતે રહેતા હતા અને મૂળ મોટા વાગુદળ ગામના વતની હતા.
બનાવના દિવસે હરજીભાઇ ચૌહાણ મોડપર ખાતે જગદીશભાઇના ઘરે આવ્યા હતા. બીજા દિવસે તેઓ પોતાના સંબંધીઓને મળવા જાયવા ગામે જવા માંગતા હોવાથી જગદીશભાઇએ તેમને કાકાના દીકરા ગૌતમ મકવાણાના મોટરસાઇકલ પર બેસાડી જાયવા ગામે ઉતારવાની વ્યવસ્થા કરી હતી. બંને મોટરસાઇકલ પર અલગ-અલગ નીકળ્યા હતા.જાયવા ગામના પાટિયા નજીક જેટકોની કચેરી પાછળ આવેલા ઇંટોના ભઠ્ઠા પાસે ગૌતમ મકવાણાએ મોટરસાઇકલ રોડની સાઇડમાં ઊભી રાખી હતી. આ દરમિયાન હરજીભાઇ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવેલી ફોરવ્હીલ કારે તેમને અડફેટે લીધા હતા. કારનો નંબર જીજે-૦૭-એઆર-૭૯૧૪ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
અકસ્મતમાં હરજીભાઇના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં લોહી નીકળ્યું હતું તથા શરીર પર છોલછાલની ઇજાઓ થઇ હતી. રાહદારીઓની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.અકસ્માત બાદ કારચાલક કાર લઇ જામનગર તરફ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કારના નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

