મોરકંડાના ૨૪ વર્ષીય યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિત ઈજા ,સાળા-બનેવી સામે ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮ઃ
જામનગર તાલુકાના મોરકંડા ગામના યુવાનને પત્ની સાથે પાંચ વર્ષ પહેલાં પ્રેમસંબંધ હોવાની શંકા રાખી ઘરે બોલાવ્યા બાદ બનેવી અને તેના સાળાએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી પાઇપ તથા છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. મોરકંડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મયુરભાઈ નવધણભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૨૪)એ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં તેઓ ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી પોતાની વાડીથી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન લાલવાડી શ્યામ હોલ પાસે ગૌતમ જીતેશભાઈ રાઠોડ મળ્યો હતો.
ગૌતમને એવી શંકા હતી કે મયુરભાઈ તેની પત્ની કાજલ સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને હાલમાં તેના ઘરે જઈને આવ્યો છે. જેથી ગૌતમે મયુરભાઈને પોતાના ઘરે આવી પત્ની તથા પાડોશીઓની હાજરીમાં રૂબરૂ વાતચીત કરવા જણાવ્યું હતું. મયુરભાઈ તેની પાછળ ગૌતમના ઘરે ગયા હતા.
ઘરે પહોંચ્યા બાદ ગૌતમ, તેની પત્ની કાજલ અને મયુરભાઈ વચ્ચે આ બાબતે વાતચીત ચાલી રહી હતી. દરમિયાન ગૌતમે પોતાના સાળા જયેશ વિનોદભાઈ પારજીયા (રહે. દરેડ)ને ફોન કરીને બોલાવ્યો હતો. જયેશ ઘરે આવ્યા બાદ બંનેએ મયુરભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન જયેશે મયુરભાઈને પકડી રાખ્યો હતો અને ગૌતમ ઘરમાંથી લોખંડનો પાઇપ તથા છરી લઈને આવ્યો હતો. ગૌતમે પાઇપ જયેશને આપ્યો હતો અને છરી પોતાના હાથમાં રાખી હતી. ત્યારબાદ જયેશે લોખંડના પાઇપથી મયુરભાઈના બંને પગ, હાથ તથા શરીરના અન્ય ભાગોમાં આડેધડ ઘા માર્યા હતા.ગૌતમે છરી વડે મયુરભાઈના ડાબા નેણ પાસે ઘા મારતા ઈજા થઈ હતી. હુમલામાં મયુરભાઈને ચક્કર આવવા લાગ્યા હતા અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું. બનાવ સમયે મયુરભાઈએ પોતાના મામા સંજયભાઈને ફોનથી જાણ કરી હતી. ત્યારબાદ તેમનો ભાઈ ધવલ ત્યાં આવી પહોંચ્યો હતો અને ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ મારફતે મયુરભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડાબા નેણ પાસે બે ટાંકા, ડાબી કોણી પાસે બે ટાંકા તથા જમણા પગમાં ગોઠણની નીચે બે ટાંકા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ડાબા હાથમાં ફ્રેક્ચર તેમજ બંને પગ અને શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદી મયુરભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આશરે પાંચ વર્ષ પહેલાં ગૌતમની પત્ની કાજલ સાથે તેમનો પ્રેમસંબંધ હતો. આ જૂની બાબતને લઈને ગૌતમને શંકા હતી કે મયુરભાઈ હજુ પણ કાજલને મળવા તેના ઘરે જાય છે. આ શંકાના ખારને કારણે ગૌતમે તેમને ઘરે બોલાવી સાળા જયેશ સાથે મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

