Junagadh તા.13
જુનાગઢ ખાતે ગિરનાર બચાવો સમિતિ દ્વારા આગામી તા.23ના રોજ સાંજના 4-30 વાગ્યે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે.
આ રેલી અહીંના સરદારબાગ હવેલીવાડીના પટાંગણની જગ્યામાંથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી સનાતન સાધુ-સંતોના નેજા હેઠળ જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે.
આ અંગે ગિરનાર બચાવો આંદોલન સમિતીના હોદેદારોએ જણાવેલ છે કે અવારનવાર ગીરનાર પર્વતમાં તેમજ આસપાસમાં અસામાજીક તત્વો, ગેર બંધારણીય સંસ્થાઓ તેમજ તે સંસ્થાઓના વહીવટદારો, સંચાલકો દ્વારા અતિ દુર્લભ ઔષધીય વૃક્ષો તેમજ દુર્લભ ધાર્મિક વૃક્ષો કે જે ઉપલબ્ધ જ નથી તેનો નાશ કરી તે જગ્યા ઉપર ગેરકાયદે વિરાટકાય બાંધકામો કરી રહ્યા હોય તેમજ સનાતન દેવ મંદિરો, ધાર્મિક મંદિરો તેમજ સનાતન ધાર્મિક જગ્યાઓને, સંસ્થાઓને વારંવાર નુકશાન પહોંચાડી રહ્યા છે.
જે સંદર્ભે ગીરનાર તેમજ સનાતની સાધુ સંતો, વાઈલ્ડ લાઈફ જેવી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તથા મહાનુભાવોને આ મહારેલીમાં જોડાવવા ભાવપૂર્ણ આહવાન કરવામાં આવેલ છે.

